Western Times News

Gujarati News

પોલીસ કમીશ્નર મલીકે ખુદ મસ્કતી કાપડ મહાજનમાં જઈ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા

(એજન્સી)અમદાવાદ, કાપડના વેપારીની ફસાયેલી કરોડો રૂપિયાની ઉઘરાણીના નિકાલ માટે કાર્યરત કરાયેલી સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી ની ઓફીસ હવે ક્રાઈમ બ્રાંચ ખાતે ખસેડવામાં આવશે.એસઆઈટીની કામગીરી હવે જેસીપી સેકટર-રના તાબાના બદલે ક્રાઈમ બ્રાંચના તાબામાં શરૂ કરવા માટે પોલીસ કમીશનરે આદેશ કર્યા છે. કમીશ્નરે મસ્કતી કાપડ મહાજનની મુલાકાત લઈ વેપારીઓની તકલીફો સાંભળી હતી.

અમદાવાદના કાપડના વેપારીઓ માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરમાં કાપડનો ધંધો કરે છે. દેશમાં કાપડનો ધંધો ઉધારી પર ચાલતો હોય છે. હવે વેપારી પાસેથી કાપડ ખરીદીને રૂપિયાની ચુકવણી નહી કરતા અમદાવાદ કે દેશભરના વેપારીઓ સામે યોગ્ય કાનુની પગલાં લેવાય તેના માટે શહેર પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. જેની ઓફીસ પણ મસ્કતી કાપડ મહાજન ખાતે જ કાર્યરત કરવામાં આવી હતી.

એસઆઈટીના પોલીસ કર્મચારીઓ જેસીપી સેકટર-ર ના માર્ગદર્શન હેઠળ કામ કરતા હતા. આઈપીએસ ગૌતમ પરમારના કાર્યકાળ દરમ્યાન એસઆઈટી દ્વારા સંખ્યાબંધ વેપારીઓના ફસાયેલા નાણાં કઢાવી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ એસઆઈટીની કામગીરી અઅચાનક જ ઢીલી થઈ ગઈ હતી.

જેને પગલે વેપારીઓ દ્વારા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ કમીશનર જ્ઞાનેન્દ્રસિંઘ મલીકે મસ્કતી માર્કેટ જઈને વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને હવેથી એસઆઈટીની ઓફીસ ક્રાઈમ બ્રાંચ ખાતે ઈઓડબ્લ્યુમાં કાર્યરત કરવાની સુચના આપી હતી.જેને પગલે હવે કાપડ મહાજનની એસઆઈટીની ઓફીસ ક્રાઈમ બ્રાંચના તાબા હેઠળ કામગીરી કરશે.

પોલીસ કમીશ્નરે એકસો વર્ષ જુના મસ્કતી કાપડ મહાજનની સેવાકીય કામગીરી અને વેપારીઓની માહિતી પણ મેળવી હતી. મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત અને નરેશ શર્મા સહીતના અગ્રણીઓએ કમીશનર સમક્ષ વેપારીઓના પ્રશ્નો રજુ કર્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.