સસ્પેન્ડ સાંસદોના ચેમ્બર, ગેલેરી-લોબીમાં પ્રવેશ ઉપર પ્રતિંબંધ
નવી દિલ્હી, લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના કેટલાક અધિકારો છીનવાયા છે.
સંસદના શિયાળુ સત્ર દરમિયાન ૧૩મી ડિસેમ્બરે નવી સંસદમાં થયેલી સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષી સાંસદોએ ગૃહમાં હોબાળો કર્યો હતો જેના પગલે અત્યાર સુધીમાં લોકસભાના ૯૫ અને રાજ્યસભાના ૪૬ સાંસદો મળીને કુલ ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે લોકસભા સચિવાલય દ્વારા આ સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદની ચેમ્બર, ગેલેરી અને લોબીમાં પ્રવેશ કરી શક્શે નહીં તેમજ તેમને દૈનિક ભથ્થું પણ મળશે નહીં. જાે કોઈ સાંસદ નોટિસ આપશે તો તેનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં.
સંસદમાં ગયા અઠવાડિયે થયેલી સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષી સાંસદોએ બંને ગૃહોમાં સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ બતાવીને દેખાવો કરીને હંગામો કર્યો હતો. તેઓ માંગ કરી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં સુરક્ષમાં થયેલી ચૂક મામલે સંબોધન કરે.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદોના સસ્પેન્ડ પર કહ્યું હતું કે મોદી-શાહે સદનની ગરિમાનું અપમાન કર્યું છે.
સંસદમાં થયેલી આટલી ગંભીર ચૂક બાદ પણ તેઓ સંસદમાં આવીને નિવેદનો આપી રહ્યા નથી. મને દુઃખ છે કે પહેલીવાર આટલા બધા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SS2SS