કેન્દ્ર સરકારે કુશ્તી સંઘના નવા માળખાને જ સસ્પેન્ડ કરી નાખ્યું
ભારતીય કુશ્તી સંઘની તાજેતરની ચૂંટણી પછી પહેલવાનોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓ પોતાના જીતેલા મેડલ પરત કરી રહ્યા હતા
નવી દિલ્હી, મહિલા કુશ્તીબાજો સાથે દુર્વ્યવહાર કરવાના કેસમાં ભારતીય રેસલિંગ ફેડરેશનને મોટો ફટકો પડ્યો છે. રેસલિંગ ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે સંજય સિંહની ચૂંટણી થઈ ત્યારથી કેટલાક પહેલવાનોમાં ભારે નારાજગી હતી.
તેઓ પોતાના મેડલ પણ પરત આપી રહ્યા હતા. તેના કારણે ભારે દબાણમાં આવી ગયેલી સરકારે ડબ્લ્યુએેફઆઈ એટલે કે કુશ્તી સંઘના નવા માળખાને જ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પરિણામે બ્રિજભુષણ સિંહના નિકટના ગણાતા સંજય સિંહે અધ્યક્ષપદ ગુમાવ્યું છે. બ્રિજભુષણ સામે કેટલીક મહિલા પહેલવાનોએ જાતીય સતામણીના આરોપો મૂક્યા હતા અને આ મુદ્દે સરકાર માટે ઘણી મુશ્કેલી પેદા થઈ છે.
જોકે, કારણ એવું આપવામાં આવ્યું છે કે નવા સંગઠને નિયમોનું પાલન કર્યું ન હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા છે. બ્રિજભુષણ સામે ગંભીર આરોપો હોવા છતાં કોઈ સખત કાર્યવાહી થઈ ન હતી. આ દરમિયાન રેસલિંગ ફેડરેશનની નવેસરથી ચૂંટણી થઈ હતી જેમાં બ્રિજભુષણના જ વિશ્વાસુ ગણાતા સંજય સિંહનો વિજય થયો હતો. એટલે કે એક રીતે બ્રિજભુષણ સિંહના હાથમાં જ વહીવટ રહ્યો હતો.
આ ચૂંટણી પછી મહિલા પહેલવાન સાક્ષી મલિકે કુશ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ પણ પદ્મ એવોર્ડ પરત કરવાનું એલાન કર્યું હતું જેના કારણે સ્પોર્ટ્સ મંત્રાલય પર ભારે પ્રેશર આવી ગયું હતું. આવી સ્થિતિમાં સરકારે આખા રેસલિંગ ફેડરેશનની નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે.
ડબ્લ્યુએેફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભુષણ સિંહ સામે ઘણા સમયથી વિરોધ પ્રદર્શનો ચાલતા હતા. ત્યાર બાદ ૨૧ ડિસેમ્બરે ચૂંટણીમાં પણ તેમના જ વિશ્વાસુઓ જીત્યા છે. સંજય સિંહને ચૂંટણીમાં ૪૦ વોટ મળ્યા હતા જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલી અનિતા શેરોનનો માત્ર સાત મત મળ્યા હતા. સંજય સિંહે પોતાના વિજય બાદ જણાવ્યું હતું કે છેલ્લા ૭-૮ મહિનામાં દેશના હજારો પહેલવાનોને જે મુશ્કેલી પડી હતી તેમનો આજે વિજય થયો છે.
તેમણે કહ્યું હતું કે અમે પોલિટિક્સનો જવાબ પોલિટિક્સથી આપીશું. સ્પોર્ટ્સ મંત્રાલયે જણાવ્યું કે ડબ્લ્યુએેફઆઈની નવી બોડીમાં બંધારણનું પાલન કરવામાં નથી આવ્યું. અમે ફેડરેશનને વિખેરી નથી નાખ્યું પરંતુ આગળ ઓર્ડર ન આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દીધું છે. તેમણે નિયમોનું પાલન કરવું પડશે પછી જ તેમને માન્યતા મળશે.
સંજય કુમાર સિંહ ૨૧ ડિસેમ્બરે ફેડરેશનના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા ત્યાર પછી તેમણે જાહેરાત કરી હતી કે રેસલિંગની અંડર ૧૫ અને અંડર ૨૦ નેશનલ્સ ચાલુ વર્ષના અંત અગાઉ ગોંડા (યુપી)માં નંદીની નગર ખાતે યોજાશે. આ જાહેરાત બહુ ઉતાવળમાં કરવામાં આવી હતી. આના માટે ભાગ લઈ રહેલા કુશ્તીબાજોને પૂરતા સમય અગાઉ નોટિસ આપવાની જરૂર હતી. તેમાં ડબલ્યુએફઆઈના બંધારણની શરતોનું પાલન કરવામાં નથી આવ્યું તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવે છે.