ગુજરાતના ખેડૂતોને “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની શુભકામનાઓ પાઠવતા કૃષિ મંત્રી
ખેડૂતો દિવસ-રાત, ટાઢ કે તડકો જોયા વગર ખેતરમાં જે અનાજ પકવે છે, તે જ અનાજ આપણી થાળીમાં ભોજન સ્વરૂપે પીરસાય છે: કૃષિ મંત્રીશ્રી
ખેડૂત નેતા અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોને “રાષ્ટ્રીય કિસાન દિવસ”ની શુભકામનાઓ પાઠવી છે. કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતને અન્નદાતા ગણાવતા કહ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને દેશના ખેડૂતો અથાગ મહેનત કરીને દિવસ-રાત, ટાઢ-તડકો અને વરસાદના પાણીમાં ભીંજાતા પોતાના ખેતરમાં જે અનાજ પકવે છે, તે જ અનાજ આપણા સૌની થાળીમાં ભોજન સ્વરૂપે પીરસાય છે. એટલે જ ખેડૂત સાચા અર્થમાં અન્નદાતા અને જગતનો તાત કહેવાય છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના પરિશ્રમના પરિણામે ભારત દેશ આજે અનાજના ક્ષેત્રે સ્વાવલંબી બન્યો છે અને સાથે જ વિદેશમાં પણ અનાજનો નિકાસ શરૂ થયો છે. ખેડૂતોને તેમના પરિશ્રમ બદલ પૂરતું મહત્વ મળે અને તેમના પ્રશ્નોનો પણ સુયોગ્ય ઉકેલ આવે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
ખેડૂતોની આવક બમણી થાય, ખેડૂતો સ્વનિર્ભર બને, ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવામાં ખેડૂતોનો પણ મહત્વપૂર્ણ ફાળો રહે તે દિશામાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર અનેક ખેડૂતહિતલક્ષી નિર્ણયો લઈ રહી છે અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સતત આગળ વધી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.