અમદાવાદના ૬૦૦ કરતા વધુ બાળકો ડેન્ગ્યૂની ઝપટમાં
વટવા, લાંભા, ગોમતીપુર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાનો આતંક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહયો છે. કુમળીવયના ૬૦૦ કરતા વધુ બાળકો ડેન્ગ્યૂની ઝપટમાં આવી ગયા છે જયારે શહેરના પૂર્વ પટ્ટામાં કોલેરાના રોગચાળાએ માઝા મુકી છે એકજ સપ્તાહમાં કોલેરાના ૮ કેસ નોંધાતા તંત્ર ફરી એક વખત દોડતુ થઈ ગયું છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં જીવલેણ માનવામાં આવતા ડેન્ગ્યૂ, કોલેરા, કમળો અને ટાઈફોઈડ જેવા રોગ સતત વધી રહયા છે. ચાલુ વર્ષ ર૪ ડીસેમ્બર સુધી ડેન્ગ્યૂના ર૪૯૯ કેસ કન્ફર્મ થયા છે. ડેન્ગ્યૂની ઝપટમાં નાના બાળકો પણ આવી રહયા છે. ૦ થી ૮ વર્ષ સુધીના ૬૪૩ બાળકો ડેન્ગ્યૂના સકંજામાં આવ્યા છે મતલબ કે ડેન્ગ્યૂના કુલ કેસના રપ ટકા દર્દી નાના બાળકો છે.
વર્ષની શરૂઆતમાં શહેરના પશ્ચિમ પટ્ટામાં ડેન્ગ્યૂના કેસ મોટી સંખ્યામાં નોંધાયા હતા પરંતુ હાલના તબકકે ડેન્ગ્યૂએ પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા મીટાવી દીધી હોય તેમ લાગી રહયું છે. ડેન્ગ્યૂના ર૪૯૯ કેસ પૈકી પૂર્વ વિસ્તારમાં ૧૪૬૯ કેસ અને પશ્ચિમ વિસ્તારમાં ૧૦૩૦ કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના સૌથી વધુ કેસ પૂર્વ ઝોનમાં પર૭ અને દક્ષિણ ઝોનમાં ૪૮૬ કન્ફર્મ થયા છે જયારે ગોમતીપુર, રામોલ, લાંભા, ગોતા સહિત છ વોર્ડમાં કેસની સંખ્યા ૧૦૦ને પણ પાર કરી ગઈ છે તેવી જ રીતે ચીકનગુનીયાના કેસમાં પણ વધારો થયો છે. વર્ષ દરમિયાન ચીકનગુનીયાના પ૪ કેસ કન્ફર્મ થયા છે જયારે સાદા મેલેરિયા ૧૧૮ર અને ઝેરી મેલેરિયાના ૧૬૯ કેસ કન્ફર્મ થયા છે.
અમદાવાદ શહેરમાં કોલેરાના રોગચાળાએ કાગારોળ મચાવી છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોલેરાના નવા ૮ કેસ નોંધાયા છે જયારે ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના કુલ કેસની સંખ્યા ૯૦ થઈ છે. કોલેરાના મહત્તમ કેસ પૂર્વ અને દક્ષિણ ઝોનમાંથી બહાર આવ્યા છે. શહેરના દક્ષિણ ઝોનમાં કોલેરાના ૪૮ અને પૂર્વ ઝોનમાં ૩૯ કેસ નોંધાયા છે.
તેવી જ રીતે ઝાડા-ઉલ્ટીના ૭૦૦૬, કમળાના ર૦૩ર કેસ નોંધાયા છે જેમાં મધ્યઝોનમાં ૧પ૭, પશ્ચિમ ઝોનમાં ૧રપ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૯૭, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૭૪, ઉત્તર ઝોનમાં ૩ર૩, પૂર્વ ઝોનમાં ૩પ૮ અને દક્ષિણ ઝોનમાં પ૭પ કેસ કન્ફર્મ થયા છે. જયારે મ્યુનિ. હદની બહાર રહેતા ૩ર૩ દર્દીઓ પણ તંત્રના ચોપડે નોંધાયા છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કમળાના ૧પ૧, સરસપુર-૮૬, કુબેરનગર-૬ર, બાપુનગર-૬૪, વટવા-૧૧૪ અને લાંભામાં ૧૩૪ કેસ નોંધાયા છે.