Western Times News

Gujarati News

ભાજપ સરકારના ૪૦,૦૦૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીશ : બસનાગૌડા

નવી દિલ્હી, એક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જાે મને છંછેડશો તો બીજેપીની સરકારના કૌભાંડનો પર્દાફાશ કરી દઈશ.

આ મુદ્દો એકાએક ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે કારણકે બીજેપીનો જ ધારાસભ્ય નેતૃત્વની સામે બાંયો ચઢાવીને કહી રહ્યો છે કે જાે મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો બીજેપી સરકારે કરેલા રૂ. ૪૦,૦૦૦ કરોડના ભ્રષ્ટાચારના પડદા ખોલી દઈશ.

અસંતુષ્ટ વિજયપુરાના બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા અને તેમના પર રાજ્યમાં કોવિડ-૧૯ મેનેજમેન્ટમાં રૂ. ૪૦,૦૦૦ કરોડના મોટા ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

યતનાલે કહ્યું, “કર્ણાટકની ભાજપ સરકારે કોવિડ-૧૯ મહામારી દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ મને નોટિસ આપશે અને મને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરશે હું તેમને ખુલ્લા પાડીશ.” યત્નાલે યેદિયુરપ્પા અને તેમના પરિવાર સામે, ખાસ કરીને તેમના બીજા પુત્ર બી.વાય વિજયેન્દ્ર વિરૂદ્ધ શાબ્દિક હુમલો શરૂ કર્યો છે.

ધારાસભ્યએ કહ્યું કે, “એક માસ્ક જેની કિંમત ૪૫ રૂપિયા છે, યેદિયુરપ્પા તમને યાદ છે કોવિડ દરમિયાન તમારી સરકારે તેના પર કેટલો ખર્ચ કર્યો હતો ? સરકારે દરેક માસ્ક ૪૮૫ રૂપિયાની કિંમતે ખરીદ્યા હતા.” ભાજપના ધારાસભ્યએ વિજયપુરામાં કહ્યું કે, “ભાજપ સરકારે બેંગલુરુમાં ૧૦,૦૦૦ બેડની વ્યવસ્થા કરી છે.

આ બેડ ભાડે લેવામાં આવ્યા હતા અને રોજનું રૂ.૨૦,૦૦૦ ભાડું સરકાર દ્વારા ચૂકવાતું હતુ. સીધી વાત છે જાે આ બેડ નવા ખરીદવામાં આવ્યા હોતને તો આ એક બેડની ભાડાની કિંમતમાં જ સેલાઈન સ્ટેન્ડવાળા બે બેડ ખરીદી શકાયા હોત.

કથિત આરોપો અંગેના દસ્તાવેજાે જાહેર કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે યતનાલે કહ્યું કે, દસ્તાવેજાે જાહેર હિસાબ સમિતિ પાસે ઉપલબ્ધ છે. તેમણે પત્રકારોને કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચકે પાટીલ સાથે વાત કરવા કહ્યું, જેઓ ભાજપના શાસન દરમિયાન અધ્યક્ષ હતા.

વિજયપુરાના ધારાસભ્યએ કહ્યું કે, તેમને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે કહ્યું કે, તેઓ આ બધું જાહેર કરી દેશે એટલેજ તેમની નિમણૂક કરવામાં આવી નથી.

યતનાલે દાવો કર્યો હતો કે, કોરોના મહામારી દરમિયાન ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ગેરરીતિઓ થઈ હતી. ભાજપ સરકાર દરમિયાન દરેક દર્દી માટે ૮ લાખથી ૧૦ લાખ રૂપિયાનું બિલ બનાવવામાં આવ્યું હતું. હું જ્યારે એક ખાનગી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થયો તો પણ મારૂં બિલ ૫.૮ લાખ રૂપિયા આવ્યું હતું.

હું સરકાર તરફથી મેડિકલ ક્લેમ મેળવવા માટે હકદાર છું છતા પણ મેં મારા પોતાના ખિસ્સામાંથી ચૂકવણી કરવાનું પસંદ કર્યું હતુ. યતનાલના આ નિવેદન પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આક્ષેપ કર્યા કે યેદિયુરપ્પા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે થયેલી અનિયમિતતાઓ અંગે યતનાલના આરોપો આ સમગ્ર કૌભાંડમાં અમારા દ્વારા તે સમયે લગાવવામાં આવેલા આરોપોના પુરાવા છે. કોંગ્રેસે રાજ્યની તે સમયની ભાજપ શાસિત સરકારને ૪૦ ટકા કમિશનની સરકાર કહી હતી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસે વિપક્ષમાં રહીને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને દસ્તાવેજાે રજૂ કર્યા હતા જેમાં આરોપ લગાવ્યો હતો કે, યેદિયુરપ્પા સરકારે કોરોના મહામારીની સારવાર અને નિયંત્રણના નામે લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. જાેકે, યતનાલના આરોપ પરથી લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ જે અંદાજ લગાવ્યો હતો તેના કરતા દસ ગણો વધુ ભ્રષ્ટાચાર થયો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.