Western Times News

Gujarati News

રાહુલ ગાંધી ૬૨૦૦ કિમીની ભારત ન્યાય યાત્રા કાઢશે

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં ૬૨૦૦ કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે જેમાં તેણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીથી પગપાળા ચાલીને જમ્મુ-કાશ્મીર સુધી ભારત જાેડો યાત્રા કરી હતી. આ યાત્રા ૧૫૦ દિવસ ચાલી હતી અને ૩,૫૭૦ કિલોમીટરનું અંતર કાપ્યુ હતું ત્યારે હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત ન્યાય યાત્રા કાઢશે. જે મણિપુરથી મુંબઈ સુધી ૧૪ રાજ્યોમાંથી પસાર થઈને ૬૨૦૦ કિલોમીટરનું અંતર કાપશે.

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યાત્રા ૧૪ જાન્યુઆરીથી ૨૦ માર્ચ સુધી યોજાશે. ‘ભારત ન્યાય યાત્રા’ ૧૪ રાજ્યો અને ૮૫ જિલ્લામાંથી પસાર થશે જેમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને મુંબઈ પહોંચશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા બસ દ્વારા થશે અને કેટલીક જગ્યાએ તે પગપાળા પણ હશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ‘ભારત ન્યાય યાત્રા’ને લીલી ઝંડી આપશે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે મણિપુરથી આ યાત્રા શરૂ કરવાનો હેતુ એ છે કે મણિપુર દેશનો મહત્વપૂર્ણ ભાગ છે.

અમે ત્યાંના લોકોના ઘા રુઝાવવાનું કામ કરીશું. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય યાત્રા નથી. આ સામાન્ય લોકો માટે છે જેઓ પીડિત છે. જ્યારે આ યાત્રા અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે આ યાત્રાનું નામ ન્યાય યાત્રા કેમ રાખવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે આર્થિક, સામાજિક અને વ્યૂહાત્મક ન્યાય અપાવીશું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રા ૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શરૂ થઈ હતી, જે લગભગ ૫ મહિના સુધી ચાલી હતી. ભારત જાેડો યાત્રા દ્વારા અલગ-અલગ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા હતા અને લગભગ ૩૫૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત જાેડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની અવગણના અને રાજકીય કેન્દ્રીકરણ અને અન્યાય સામે આપણે લડવાનો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.