Western Times News

Gujarati News

એરપોર્ટ ઓથોરીટી પાસે મિલ્કતવેરા પેટે રૂ.ર૦ કરોડની વસુલાત બાકી

મ્યુનિ.કમીશ્નરના મનસ્વી નિર્ણયો સામે રેવન્યુ કમીટી ચેરમેનનું ભેદી મૌન

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિલ્કતવેરાના નાના દેવાદારો પાસે દાદાગીરીથી ટેક્ષની વસુલાત કરે છે. ટેક્ષના લેણાની વસુલાત માટે સીબીંગ ઝુંબેશ મિલ્કત જપ્ત કરવી જેવા પગલા લેવામાં આવે છે. જયારે મોટા દેવાદારો ખાસ કરીને કેન્દ્ર બને રાજય સરકારના એકમો પાસેથી મિલ્કતવેરો વસુલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહયું છે.

કેન્દ્ર સરકારના રેલ્વે, એરપોર્ટ ઓથોરીટી તેમજ પોસ્ટલ વિભાગ પાસે થી કરોડો રૂપિયાના મિલ્કતવેરાની વસુલાત બાકી છે. જેના માટે મીટીગ સિવાય કોઈ જ કાર્યવાહી થતી નથી. શહેરમાં રેલવે વિભાગની તમામ મિલ્કતો પેટે અંદાજે રૂ.ર૦ કરોડનો ટેક્ષ બાકી છે. જયારે એરપોર્ટ ઓથોરોટી પાસેથી પણ રૂ.ર૦ કરોડ કરતા વધુ રકમના લેણા બાકી હોવાની વિગતો બહાર આવી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે કોર્પોરેશનની રેવન્યુ આવકનો સૌથી મોટો આધાર ટેક્ષ વિભાગ પર છે. પરંતુ મ્યુનિ.રેવન્યુ કમીટીના ચેરમેન પાસે તેમના વિભાગને લગતી કોઈ જ વિગતો ઉપલબ્ધ હોતી નથી !


મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષના બાકી લેણાની વસુલાત માટે દર વર્ષે સીબીંગ ઝુંબેશ કરવામાં આવે છે. તેમજ કરદાતાઓ પાસેથી ૧૮ ટકા વ્યાજની વસુલાત પણ થાય છે. મ્યુનિ.વહીવટીતંત્રની આ દાદાગીરી નાના વેપારીઓ પુરતી જ સીમિત છે. મિલ્કતવેરાના મોટા દેવાદારો કે મોટા માથાઓ સામે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી તેવી જ રીતે કેન્દ્ર અને રાજય સરકારની મિલ્કતોના બાકી ટેક્ષ માટે પણ “દબંગ” કમીશ્નર નિષ્ક્રિય સાબિત થયા છે. જેના ઉત્તમ ઉદાહરણ એરપોર્ટ અને રેલવે ઓથોરીટ છે.

મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ ઉત્તરઝોનના સરદારનગર વોર્ડમાં આવેલ એરપોર્ટ ઓથોરીટીની વિવિધ મિલ્કતો પેટેના ટેક્ષ પેટે રૂ.ર૦.ર૧ કરોડના લેણા બાકી છે. જેમાં એરપોર્ટ રન-વે પેટે રૂ.૯.૮૯ કરોડ, ટર્મીનલ બિલ્ડીંગ પેટે રૂ.૪.પ૯ કરોડ, ટેક્ષીટ્રેક પેટે રૂ.ર.૯પ કરોડ તથા ટર્મીનલ -૦ર પેટે રૂ.ર.૭૩ કરોડનો ટેક્ષ મુખ્ય છે.

મ્યુનિ. ટેક્ષખાતા દ્વારા ર૦૧૭ના વર્ષથી એરપોર્ટની આકારણી શરૂ કરવામાં આવી હતી. તે સમયે એરપોર્ટ ઓથોરીટીએ રૂ.પ૬ લાખ ભરપાઈ કર્યા હતા. ત્યારબાદ મિલ્કતવેરા પેટે કોઈ જ રકમ ભરવામાં આવી નથી તથા મનપા દ્વારા તે અંગે નકકર પ્રયાસો પણ કરવામાં આવ્યા નથી.

કેન્દ્રના રેલ્વે વિભાગ પાસેથી પણ મિલ્કતવેરા પેટે રૂ.ર૦ કરોડનો ટેક્ષ બાકી છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશનના રૂ.૮.૯૦ કરોડ મુખ્ય છે. તદ્દઉપરાંત મણીનગર, વટવા, ગાંધીગ્રામ, સાબરમતી, રાણીપ, અસારવા, સરખેજ સહીતના રેલવે સ્ટેશનો મિલ્કતવેરા પણ ભરપાઈ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારના પોસ્ટલ વિભાગ પાસેથી મિલકતવેરાની મોટી રકમની વસુલાત બાકી છે.તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ.કમીશ્નરે પ્રોપર્ટી ટેક્ષના બાકી લેણાની વસુલાત માટે મિલ્કતોની જપ્તી તથા હરાજીનો નવો અભિગમ શરૂ કર્યા છે. ગત વર્ષે પાંચ વખત જપ્ત કરેલી મિલ્કતોના હરાજી માટે પ્રયાસ થયા હતા પરંતુ એક પણ મિલ્કતના વેચાણ થયા નથી તેથી જપ્ત કરવામાં આવેલ મિલ્કતો સાચવવાની જવાબદારી પણ તંત્રના શિરે આવી છે.મ્યુનિ. કમીશ્નરે પણ મિલ્કત જપ્તીમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવી હતી.

નાના વેપારીઓ કે દેવાદારોની મિલ્કત જપ્ત કરવામાં આવી હતી જયારે મોટા માથાઓને “સેફપેસેજ” આપવામાં આવ્યો હતો. નાના વેપારીઓને વ્યાજમાં રીબેટ આપવાની તથા “ખાલીબંધ” નો લાભ આપવાની પ્રથા પણ કમીશ્નરે બંધ કરી છે. જેની સામે મ્યુનિ.હોદ્દેદારો તથા રેવન્યુ કમીટી ચેરમેન હરફ સુધ્ધા ઉચ્ચારવા તૈયાર નથી.

મ્યુનિ.રેવન્યુ કમીટી ચેરમેન ગૌતમ કથીરીયાને ખાતાની કામગીરીમાં કોઈ જ રસ ન હોય તેમ માનવામાં આવી રહયું છે.  મ્યુનિ.પ્રોપર્ટી ટેક્ષને લગતી કોઈપણ માહિતી તેમની ઉપલબ્ધ રહેતી નથી. નાનામાં નાની વિગતો માટે પણ તેઓ વહીવટીતંત્ર પર નિર્ભર રહે છે.

જેનો લાભ અધિકારીવર્ગને મળી રહયો છે. રેવન્યુ કમીટી ચેરમેન અગાઉ સ્ટેન્ડીગ કમીટીના સભ્યપદે પણ રહી ચુકયા છે. સ્ટેન્ડીંગ કમીટી સભ્ય તરીકે તેઓ વોર્ડના પ્રશ્નોની રજુઆતમાં મોખરે રહેતા હતા તથા બંધબારણે પાર્ટીના હોદેદારો માટે પણ તેઓ નાના કરદાતાઓની સમસ્યાઓ દૂર કરાવી શકયા નથી.
તેવી જ રીતે રેવન્યુ કમીટી ચેરમેન તરીકે પણ તેઓ  નાના કરદાતાઓની સમસ્યાઓ દૂર કરવામાં નિષ્ફળ રહયા છે.

મ્યુનિ. કમીશ્નરે રીબેટ અને ખાલીબંધ યોજના બંધ કરી હોવા છતાં તેમણે એકપણ વખત લેખિતમાં રજુઆત કરી નથી. ચોકાવનારી બાબત એ છે કે ખાલીબંધની પડતર ફાઈલોની સંખ્યા, રદ કરવામાં પ્લેટોની સંખ્યા તથા નાગરીકોની પડતર અરજી જેવી માહિતી માટે પણ તેમણે વારંવાર અધિકારીઓની મદદ લેવી પડે છે તેવી ચર્ચા મ્યુનિ. ભવનમાં ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.