ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘના 1667 સ્કાઉટ્સ – ગાઈડ્સને રાજ્ય પુરસ્કાર અર્પણ કરાયા
આદર્શ મનુષ્ય જ દેશ અને સમાજની સૌથી મોટી પૂંજી છે: રાજ્યપાલ
સ્કાઉટ્સ-ગાઈડ્સને તેમના જન્મદિવસે અને માતા-પિતાની મેરેજ એનિવર્સરીએ એક વૃક્ષ વાવવા અને તેનું જતન-સંવર્ધન કરવા સંકલ્પ લેવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અપીલ
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ અને ગાઈડ સંઘના ૧,૬૬૭ સ્કાઉટ્સ-ગાઈડ્સને વર્ષ ૨૦૨૨-૨૩ ના રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા હતા. સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સદાય તત્પર અને તૈયાર રહેતા સ્કાઉટ્સ-ગાઈડ્સને તેમના જન્મદિવસે અને માતા-પિતાની મેરેજ એનિવર્સરીએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા અને તેનું જતન-સંવર્ધન કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી.
રાજ્યના સ્કાઉટ્સ-ગાઇડ્સને સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતના ૩૫,૦૦૦ સ્કાઉટ્સ-ગાઈડ્સ પોતાના જન્મદિવસે એક વૃક્ષ અને માતા-પિતાના લગ્ન દિવસે એક વૃક્ષ વાવી અને ઉછેરવાનો સંકલ્પ લે. ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનું નિરાકરણ પ્રકૃતિના સંતુલનથી જ શક્ય છે. જળ અને જમીનના સંરક્ષણ માટે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા અભિયાનને ગંભીરતાથી લેવા તેમને અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આહ્વાન આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આદર્શ મનુષ્ય જ દેશ અને સમાજની સૌથી મોટી પૂંજી છે. સારા ગુણો ધારણ કરીને જવાબદાર નાગરિક બનવા તેમણે સૌ સ્કાઉટ્સ-ગાઈડ્સને અનુરોધ કર્યો હતો.
સ્કાઉટ્સ-ગાઈડ્સને માતા-પિતા-વડીલો અને ગુરુજનોની આજ્ઞાનું પાલન કરવાની અને સદાય તેમનું સન્માન કરવાની શીખ આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જે બાળકો માતા-પિતા-વડીલો અને ગુરુજનો પ્રત્યે હંમેશા સદાચાર અને સદભાવ રાખે છે તે બાળકો લાંબુ આયુષ્ય ભોગવે છે, સારી વિદ્યા પ્રાપ્ત કરે છે,
બળવાન બને છે અને હંમેશા યશ-કીર્તિ મેળવે છે. રાજ્યપાલ શ્રીએ સ્કાઉટસ-ગાઈડ્સને સંસ્કારી બનવાની શીખ આપતાં કહ્યું કે, ગુણવાન બનો. વિશેષ ગુણ કેળવશો તો ટોળામાં તમે વિશેષ બનશો. મહાન વ્યક્તિ બનીને કુળ, સમાજ અને દેશનું ગૌરવ વધારવા તેમણે સૌ બાળકોને અપીલ કરી હતી.
રાજભવનના સ્વામી દયાનંદ સભામંડપમાં આયોજિત રાજ્ય પુરસ્કાર એવોર્ડ સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. ઓમપ્રકાશ અને એમ.ડી. મોદી સ્કૂલ, રાજકોટના શ્રી ધવલ આર. મોદીનું થેન્ક્સ બેઝથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના વાઈસ પેટ્રન અને ઓરિસ્સા હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી કલ્પેશભાઈ ઝવેરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, સ્કાઉટ ગાઈડ આંદોલન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય આંદોલન છે. વિશ્વના ૨૧૬ દેશોમાં આ પ્રવૃત્તિ સક્રિયતાથી સેવારત છે. સ્કાઉટિંગ-ગાઈડિંગથી બાળકોના જીવનમાં સ્વયંશિસ્ત આવે છે, જેનું વ્યક્તિત્વ વિકાસમાં મોટું યોગદાન હોય છે.
ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સવિતાબેન પટેલે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. અંતમાં સેક્રેટરી શ્રી વિષ્ણુભાઈ ઉપાધ્યાયએ આભારવિધિ કરી. હતી. આ અવસરે લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્ય આયુક્ત (સ્કાઉટ) શ્રી હસમુખભાઈ મોદી, રાજ્ય આયુક્ત (ગાઈડ) શ્રી અંજનાબેન ચૌધરી અને રાજ્ય કોષાધ્યક્ષ શ્રી છનાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.