ન્યૂયોર્ક-લોસ એન્જલિસમાં પેલેસ્ટાઈન સમર્થકોનો ઉત્પાત
વોશિંગટન, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પેલેસ્ટાઈનના સમર્થકો અમેરિકામાં છાશવારે ઉત્પાત મચાવતા હોય છે. ગાઝા પર ઈઝરાયેલી હુમલાના વિરોધમાં પેલેસ્ટાઈન સમર્થકોએ ફરી એક વખત બુધવારે ન્યૂયોર્ક તેમજ લોસ એન્જલિસમાં એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર ચક્કાજામ કરીને સેંકડો લોકોને હેરાન પરેશાન કરી નાંખ્યા હતા. તેના કારણે એરપોર્ટ જઈ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
હાલમાં અમેરિકામાં ક્રિસમસ વેકેશન ચાલી રહ્યુ હોવાથી એમ પણ ટ્રાવેલિંગ કરનારા લોકોની સંખ્યા વધારે છે અને એરપોર્ટ પર લોકોની ભીડ જાેવા મળી રહી છે. બીજી તરફ એરપોર્ટ જતા રસ્તાઓ પર થયેલા ચક્કાજામના કારણે લોકોની ફ્લાઈટ પણ છુટી જાય તેવો ડર ઉભો થયો હતો.
જેના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.દેખાવકારોના હાથમાં બેનરો હતો અને તેના પર લખેલુ હતુ કે, યુધ્ધ બંધ કરવામાં આવે.ન્યૂયોર્કમાં થયેલા દેખાવોના કારણે એરપોર્ટ તરફ જતો રસ્તો ૨૦ મિનિટ માટે બંધ રહ્યો હતો. એરપોર્ટ તરફ જતા કેટલાક લોકો કંટાળીને વાહનમાંથી ઉતરીને હાથમાં સામાન લઈને ચાલવા માંડ્યા હતા.
ન્યૂયોર્કમાં દેખાવકારો પૈકી ૨૬ની પોલીસે ધરપકડ કરી હતી. આ જ સમયગાળા દરમિયાન લોસ એન્જલિસમાં પણ દેખાવકારોએ એરપોર્ટ તરફ જતા રસ્તા પર અવરોધ ઉભો કર્યો હતો. એરપોર્ટની આસપાસના રસ્તાઓ પર બે કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો. જાેકે પોલીસના આવતાની સાથે જ દેખાવકારો ફરાર થઈ ગયા હતા. SS2SS