મોટા પાયે લીલા વૃક્ષોનું નિકંદન : વનવિભાગે ૨ ટેમ્પા અને ૧ ટ્રેક્ટરમાંથી ૧૦૦૦ મણ જલાઉ લાકડું ઝડપ્યું
એક તરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોની ઝુંબેશ ચલાવવામાં આવે છે પરંતુ અરવલ્લી જીલ્લામાં કેટલાક વનવિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ વીરપ્પનનો સાથે ભળી જઈને જીલ્લામાં વૃક્ષોનું ભારે માત્રામાં છેદન કરી ગેરકાયદેસર વેપલો કરી રહ્યા છે જીલ્લામાં થઇ રહેલ વૃક્ષોનું છેદન અન્ય જિલ્લાઓમાં વિવિધ વાહનો મારફતે પગ કરી જાય છે વનવિભાગ તંત્રે બાયડ-કપડવંજ રોડ પરથી ૨ ટેમ્પો અને ૧ ટ્રેક્ટરમાં ગેરકાયદેસર લીલા વૃક્ષઓની હેરાફેરી થતી અટકાવી ૧૦૦૦ મણથી વધુ જલાઉ લાકડું ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી જીલ્લામાં રાત્રીના સુમારે મોટા પ્રમાણમાં જંગલ-ડુંગરો પર રહેલી વનસંપદાનું કેટલાક વીરપ્પનો નિકંદન કાઢી મોટી માત્રામાં ગેરકાયદેસર હેરાફેરી કરી બેરોકટોક રેકેટ ચલાવી રહ્યા છે સરકાર દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ લાખ્ખો રોપા વાવ્યાના દાવા થાય છે તેમાંથી કેટલાનો ઉછેર થાય છે તેની જોવાની તસ્દી પણ લેવામાં આવતી નથી બાયડ-માલપુર ના માર્ગે મોટા પ્રમાણમાં વાહનોમાં ગેરકાયદેસર લીલા વૃક્ષોના લાકડાનું વહન થતું હોવાની બૂમો ઉઠતા વનવિભાગ તંત્ર ગાઢનિંદ્રા માંથી સફાળું જાગી બાયડ-કપડવંજ રોડ પર રાત્રીના સુમારે પેટ્રોલિંગ હાથધરી હેરાફેરી અટકાવવા કામગીરી હાથધરાતા બાયડ-કપડવંજ રોડ પરથી ૨ ટેમ્પો અને ૧ ટ્રેક્ટરમાંથી ૧ હજાર મણ જલાઉ લાકડાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.