મહેસાણાના સ્વાઈનફલુ ગ્રસ્ત આધેડનું અમદાવાદમાં મોત

પ્રતિકાત્મક
મહેસાણા, મહેસાણા શહેરના આધેડ પુરૂષને મંગળવારે શ્વાસોશ્વાસની તકલીફ થતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલ બાદ એક જ દિવસે વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં મોડી રાત્રે સ્વાઈનફલુના કારણે તેમનું મોત નીપજયું હતું. જિલ્લામાં વર્ષ દરમિયાન સ્વાઈન ફલુના કુલ ૧૩ કેસ નોંધાયા છે, જે પૈકી એકનું મોત થયું છે.
મહેસાણા જિલ્લામાં ગત વર્ષે (ર૦રરમાં) સ્વાઈન ફલૂના ઘણા કેસ નોંધાયા હતા, જે પૈકી ચાર દર્દીઓના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી જિલ્લામાં અગાઉ ૧ર જેટલા કેસ સ્વાઈન ફલુના નોંધાયા હતા. જોકે એક પણ દર્દીનું મોત થયું નહોતું. દરમિયાન મહેસાણા શહેરી વિસ્તારના ૪૯ વર્ષના એક પુરૂષને મંગળવારે શ્વાસોશ્વાસની તકલીફ થતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
જયાંથી તેમના ઈન્ફલુએન્ઝા ટેસ્ટ માટેનું સેમ્પલ લેવાયું હતું. આધેડને વધુ સારવાર માટે એ જ દિવસે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જયાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. જોકે બુધવારે તેમના સેમ્પલનો ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં આ મૃતક આધેડને ઈન્ફલુએન્ઝા (સ્વાઈન ફલુ) પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું.
સ્વાઈન ફલુથી આધેડ દર્દીનું મોત થતાં જિલ્લા આરોગ્ય તંત્રની સૂચનાથી અર્બન હેલ્થ ઓફિસરની ટીમ દ્વારા મૃતક આધેડના રહેણાંક વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી તેમજ કોન્ટેકટ ટ્રેસિંગ કરી સારવાર તેમજ માર્ગદર્શનની કામગીરી હાથ ધરી હતી. મૃતક આધેડ સાથે જિલ્લામાં આ વર્ષે કુલ ૧૩ સ્વાઈન ફલૂના કેસ નોંધાયા છે.