Western Times News

Gujarati News

પાલનપુરના સદરપુરથી સિંગદાણાની 500 બોરી ભરીને મુન્દ્રા પોર્ટ જતી ટ્રક લાપત્તા

પ્રતિકાત્મક

ર૬.૭૭ લાખના મુદ્દામાલ અંગે ડ્રાઈવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

પાલનપુર, પાલનપુર તાલુકાના કોઈટાપુરા ગામે આવેલી સદગુરુ એગ્રો ઈન્ડસ્ટ્રિઝના સંચાલક દ્વારા એક ટ્રકમાં સિંગદાણાની બોરીઓ ભરી મુન્દ્રાપોર્ટ ખાતે પહોંચાડવાની હતી જે પાલનપુરથી નીકળી પરંતુ મુન્દ્રાપોર્ટ ન પહોંચતા પાલનપુર તાલુકા પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાવાઈ હતી.

કોઈટાપુરા ખાતે રહેતા અને સદગુરુ એગ્રો ઈન્ડસ્ટ્રિઝના સંચાલક સુરેશભાઈ અમરતભાઈ પટેલ કંપની ચલાવે છે. જયાં મગફળી ફોલીને સીંગદાણા કાઢી વેચાણનું કામ કરાય છે. ગત તા.૪ ડીસેમ્બર ર૦ર૩ના રોજ રાધેશ્યામ બ્રોકર જુનાગઢ તરફથી એસઆરકે એકસપોર્ટ કંપની ચેન્નઈ તરફથી પ૦ મેટ્રિક ટન સિંગદાણા મુન્દ્રાપોર્ટ મારફતે મોકલવાનો ઓર્ડર મળ્યો હતો.

જેથી તેમના ત્યાંથી રપ મેટ્રિક ટન સિંગદાણા તા.૮ ડિસેમ્બર ર૦ર૩ના રોજ ચામુંડા ટ્રાન્સપોર્ટ ડીસા મારફતે મુન્દ્રા ખાતે મોકલી અપાયો હતો. બાકીનો રપ મેટ્રિક ટન સિંગદાણા મુન્દ્રા ખાતે મોકલી આપવા માટે તા.૯ ડિસેમ્બરના રોજ ચામુંડા ટ્રાન્સપોર્ટ ડીસાના માલિક મોનાભાઈ પરમારને ફોન કરી ટ્રક મોકલવા જણાવતાં તેઓએ તા.૯ ડિસેમ્બરે ટ્રક મોકલી હતી.

જેથી આ ટ્રક કંપનીમાં આવી પ૦ કિલોગ્રામના સિંગદાણાનો એક બોરી આમ કુલે પ૦૦ બોરી રપ મેટ્રિક ટન કી. રૂ.ર૬,૭૭,પ૦૦ ભરી મુન્દ્રા જવા રવાના કરી હતી. ટ્રક બે દિવસમાં મુન્દ્રા પહોંચી જાય છે અને આશરે દસેક દિવસમાં માલનું પેમેન્ટ આવી જતું હોય છે. પરંતુ ૧પ દિવસ સુધી માલનું પેમેન્ટ ન આવતાં ચેન્નઈ એસઆરકે એકસપોર્ટના માલિકને ફોન કરી પેમેન્ટ આપવા જણાવતાં તેઓએ જણાવેલ કે, તમારો મોકલેલ માલ મળેલ નથી.

જેથી આ બાબતે ડ્રાઈવરને ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો જેથી ચામુંડા ટ્રાન્સપોર્ટના માલિકને આ ટ્રક મુન્દ્રાપોર્ટ ખાતે પહોંચેલ નહીં ની વાત કરતાં તેઓ ફેકટરીએ આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરતાં ટ્રકનો કોઈ જપત્તો ન લાગતાં આ અંગે સુરેશભાઈ અમરતભાઈ પટેલે નખત્રાણા તાલુકાના સનગનારાના ભીમાભાઈ બીજલભાઈ રબારી સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.