યાંત્રિક બોટો મૂકી 80 ફૂટ ઉંડેથી રેતીનુ આડેધડ ખનન થતું હોવાની વડોદરા કલેકટરને રજુઆત
ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે પર્યાવરણ સર્ટિફિકેટ વગર ચાલતી રેતીની લીઝ વિરૂધ્ધ કલેકટરને રજુઆત
(પ્રતિનિધી)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી રેત ખનન થઈ રહ્યું છે. સામાન્ય રીતે રેતીની લીઝ ધરાવતા લીઝ સંચાલકોએ ઘણા જરુરી નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતું ઝઘડિયા તાલુકાના વિસ્તાર સહિત વડોદરા જીલ્લાની હદ માંથી વહેતી નર્મદા નદીમાં આવેલ રેતીની લીઝો પૈકી કેટલીકમાં જરુરી નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની વ્યાપક લોક ચર્ચાઓ ઉઠી રહી છે.
તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા નાનાવાસણા વેલુગામ ટોઠીદરા તરસાલીથી લઈ મુલદ સુધીના કાંઠા વિસ્તારમાં આડેધડ પર્યાવરણ વિભાગ ભૂસ્તર વિભાગ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતોના નીતિ નિયમોને નેવે મૂકી આડેધડ રેતીનું ખનન તેમજ તેનું વહન સરકારી બાબુઓના મેળાપીપળામાં થઈ રહ્યું હોવાની ચર્ચાઓ પણ લાંબા સમયથી ઉઠી રહી છે.
આને લઈને જાગૃત સ્થાનિકોએ ઘણીવાર અવાજ ઉઠાવ્યો છે,આંદોલનો કર્યા છે,પરંતુ તેનું કોઈજ પરિણામ આવતું નથી અને વર્ષોથી આ બધું બેરોકટોક ચાલ્યા કરે છે.ત્યારે હાલમાં ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામના લાલજીભાઈ માધવભાઈ વસાવા નામના નાગરીકે તેમના ગામની હદમાં નર્મદા નદીના પટમાં પર્યાવરણ સર્ટિફિકેટ ની મંજૂરી વગર રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જીલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે.
તેમણે કરેલ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે જુના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં મહેન્દ્ર ચુનીલાલ ભગત નામના ઇસમ દ્વારા એકી સાથે ૧૦ થી ૧૨ પોકલેન મશીન અને યાંત્રિક બોટો મૂકી ૭૦ થી ૮૦ ફૂટ ઊંડેથી રેતીનું આડેધડ ખનન કરવામાં આવી રહ્યું છે, જે સદંતર પર્યાવરણના નિયમોની વિરુદ્ધ છે.
જેના કારણે ખેડૂતોને તથા માછીમારોને રોજગારીમાં તકલીફો ઊભી થઈ રહી હોવાના આક્ષેપ સાથે કરાયેલ ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે યાંત્રિક બોટો ચાલવાના કારણે નર્મદા નદીના પટનો વહેણ બદલાઈ જવા ઉપરાંત મશીનરીના ઓઇલના કારણે પાણી પ્રદૂષિત થતા જળચર પ્રાણીઓ જેવાકે મચ્છી ઝીંગા મરી જવાની સમસ્યા થાય છે અને પાણી નીતરતી રેતીના કારણે રસ્તાઓ પણ બગડતા હોય છ.
ઉપરાંત આને લઈને અકસ્માત થવાના બનાવો પણ વારંવાર બનતા હોય છે અને ખેડૂતો અને માછીમારોને રોજગારી મેળવવામાં પણ વ્યાપક નુકસાન થઈ રહેલ છે,જેથી આવી પર્યાવરણની મંજૂરી વગર ચાલતી લીઝો તાત્કાલિક બંધ કરવામાં આવે તેમ તેમણે પોતાની લેખિત ફરિયાદમાં જણાવ્યું
હતું.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકાના અન્ય કાંઠા વિસ્તારોમાં ચાલતી ઘણી લીઝો દ્વારા પણ જરુરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વાતો પણ ઉઠવા પામી છે, ત્યારે જિલ્લા વહિવટી તંત્ર તાકીદે આડેધડ રેત ખનન કરતા લીઝ સંચાલકો પ્રત્યે લાલ આંખ કરે તે જરુરી છે.