Western Times News

Gujarati News

રિલાયન્સ અને બીપી ભારતીય ઇંધણનાં ક્ષેત્રમાં ભાગીદારીને વધારે ગાઢ બનાવશે

 આગામી પાંચ વર્ષમાં જિયો-બીપી બ્રાન્ડેડ રિટેલ નેટવર્ક વધીને 5,500 સાઇટનું થશે

મુંબઈ, બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ આજે તેમનાં નવા ભારતીય ઇંધણ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચરની રચના કરવા સાથે સંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ માટે ચાલુ વર્ષે ઓગસ્ટમાં પ્રારંભિક સમજૂતી થઈ હતી. આ સાહસની રચના વર્ષ 2020નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં થવાની અપેક્ષા છે, જે નિયમનકારી અને અન્ય પરંપરાગત મંજૂરીઓને આધિન છે.

આરઆઇએલ અને બીપીની લાંબી ભાગીદારીને આગળ વધારતા આ નવા સાહસમાં સમગ્ર ભારતમાં ઇંધણ માટે રિટેલ સર્વિસ સ્ટેશનનું નેટવર્ક અને એવિએશન ફ્યુઅલ માર્કેટિંગ બિઝનેસ સામેલ હશે. આરઆઇએલનાં હાલનાં વ્યવસાયો પર નિર્મિત આ નવું સાહસ વૈશ્વિક સ્તરની ઇંધણ પાર્ટનરશિપ ઝડપથી સંયુક્તપણે ઊભી કરશે એવી અપેક્ષા બંને પાર્ટનર્સને છે, જેથી ભારતની ઊર્જા અને મોબિલિટી માટે ઝડપથી વિકસતી માગને પૂર્ણ કરવામાં મદદ મળશે.

આ સાહસ આગામી પાંચ વર્ષમાં આરઆઇએલનું હાલનું ઇંધણ રિટેલિંગ નેટવર્ક 1,400 રિટેલ સાઇટ અને સમગ્ર ભારતમાં 30 એવિએશન ફ્યુઅલ સ્ટેશનથી વધીને 5,500 રિટેલ સાઇટ અને 45 એવિએશન ફ્યુઅલ સ્ટેશનનું થશે તેમજ ઓટોમોટિવ અને એવિએશન ફ્યુઅલમાં સૌથી વધુ પસંદગીનું પ્રોવાઇડર બનશે એવી અપેક્ષા છે.

રિટેલ નેટવર્ક જિયો-બીપી બ્રાન્ડ અંતર્ગત કામ કરશે, જે ઇંધણનાં વેચાણ અને મોબિલિટી સોલ્યુશન્સમાં નવા પરિવર્તનનો સંકેત છે. આ સંયુક્તપણે જિયોનાં ડિજિટલ પ્લેટફોર્મ અને બીપીનાં દુનિયાભરમાં ઇંધણનાં રિટેલિંગનાં બહોળા અનુભવ દ્વારા ગ્રાહકોને વિસ્તૃત જોડાણ આપશે. આ સંયુક્ત સાહસ ભારતીય ગ્રાહકોને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વિશિષ્ટ ઇંધણ, સુવિધા અને સેવાઓ પૂરી પાડશે. આ સંયુક્ત સાહસનાં સંપૂર્ણ નેટવર્કમાં કેસ્ટ્રોલ લ્યુબ્રિકન્ટ્સ પણ ઉપલબ્ધ થશે.

આ  સમજૂતી પર આજે મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને બીપીનાં ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ બોબ ડુડલીએ હસ્તાક્ષર કર્યા હતા.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “મને ખુશી છે કે, બીપી અને રિલાયન્સ તેમની મજબૂત ભાગીદારી પર આ સંયુક્ત સાહસની રચના કરશે અને તેમનાં સંબંધોને વધારે ગાઢ બનાવશે. બીપી અને રિલાયન્સ તેમની જાણકારી, કુશળતા અને અનુભવનો સમન્વય કરીને ભારતીય ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે. અમારું માનવું છે કે, સંયુક્તપણે અમે ભારતનાં ઝડપથી વિકસતાં બજારને લાભ મળશે એવા સોલ્યુશન્સ પ્રસ્તુત કરશે.”

બોબ ડુડલીએ કહ્યું હતું કે, “ભારત દુનિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ બજારોમાંનું એક છે – એનાં પરિવહન અને ઉડ્ડયન ક્ષેત્રો ઝડપથી વૃદ્ધિ કરી રહ્યાં છે અને પરિવર્તિત થઈ રહ્યાં છે. અમારો ઉદ્દેશ મોબિલિટી સોલ્યુશન્સ માટે દેશની વધતી માગને આ નવા સાહસ મારફતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇંધણ અને સેવાઓ પ્રદાન કરવાનો છે. અમારા વ્યવસાયનું આ મુખ્ય વિસ્તરણ ભારતમાં અમારી લાંબા ગાળાની કટિબદ્ધતાને પ્રતિપાદિત કરશે.”

બંને પાર્ટનર નવા સંયુક્ત સાહસ સ્વરૂપે રચાતી કંપનીની સ્થાપના કરવાનો ઇરાદો ધરાવે છે, જેમાં આરઆઇએલનો હિસ્સો 51 ટકા અને બીપીનો હિસ્સો 49 ટકા હશે. આ સંયુક્ત સાહસ આરઆઇએલનાં હાલનાં ભારતીય ઇંધણ રિટેલ નેટવર્ક અને એનાં એવિએશન ફ્યુઅલ બિઝનેસની માલિકી ધરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.