BAPS-શાહીબાગ ખાતે શ્રી રામ મંદિરના અક્ષતકુંભના વધામણાં થયા
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી BAPસ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના તમામ મંદિરો અને લાખો હરિભક્તો 22 જાન્યુઆરીએ આનંદોત્સવમાં જોડાશે – ઘરે ઘરે દીપમાળ, રંગોળી, અન્નકૂટ, તોરણો દ્વારા ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠાની મહાઆરતીમાં જોડાશે
આજે તા. 31 ડિસેમ્બરના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતે શ્રી રામમંદિરના અક્ષત કુંભના વધામણાંનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે બરાબર ૫:૩૫ વાગ્યે શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રના આગેવાનશ્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવોનું અક્ષતકુંભ સાથે મંદિરમાં આગમન થયું. ઢોલ, મૃદંગ અને શરણાઈની મધુર સુરાવલીઓ સાથે હિંદુ પરંપરા અનુસાર પુષ્પહાર, પુષ્પોની પાંખડીઓ દ્વારા તેમજ તિલક કરીને આગેવાનશ્રીઓનું બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
બીએપીએસના પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, “શ્રી રામ જન્મભૂમિ પર થઈ રહેલાં શ્રી રામમંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાના અવસરે, તા 22 જાન્યુઆરીના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશના તમામ મંદિરો અને લાખો હરિભક્તો આનંદોત્સવમાં જોડાવાના છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે 1989માં શ્રીરામશીલાનું પ્રથમ પૂજન કરીને મંદિરના પાયામાં પોતાની ભક્તિ અદા કરી હતી. તેઓ સમયે સમયે શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનનું સૂત્ર સંભાળતા પરમ ભગવદીય શ્રી અશોક સિંઘલજી તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર્તાઓ, સંતો-મહંતો સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ અંગે વિમર્શ કરીને શ્રીરામ મંદિરના સર્વોત્તમ નિર્માણ માટે સેવામાં તત્પર રહ્યા હતા.
રામ મંદિરની ડિઝાઇન માટે અશોક સિંઘલજીએ પૂછેલું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહેલું કે ગાંધીનગર અક્ષરધામ ની જેમ ચંદ્રકાંતભાઇ સોમપુરાના માર્ગદર્શન હેઠળ ગુલાબી પત્થરથી બનાવશો. આજે આપણાં સૌ માટે ગૌરવની વાત છે કે રામમંદિરનું નિર્માણ ગુલાબી પત્થરથી કરવામાં આવ્યું છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લંડન મંદિરમાં સવારે ૫ વાગે બધા હરિભક્તોને ઉઠાડીને ધૂન પણ કરાવી છે, કારણકે તેઓશ્રીને રામ મંદિર પ્રત્યે અનોખો લગાવ હતો. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરો અને હરિભક્તોના ઘરોમાં આનંદ ઉત્સવનો માહોલ છે.
પ્રમુખસ્વામી મહારાજની સાથે તેઓના અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ શ્રીરામજન્મભૂમિ અયોધ્યા ખાતે ચાલતા ધૂન-યજ્ઞમાં સમયે સમયે જોડાયા છે. શ્રી રામમંદિરના ભૂમિપૂજન સમારોહ માટે બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે રામ જન્મભૂમિ શિલાન્યાસ વિધિ વખતે શ્રી રામયંત્રનું પૂજન કરી આ મંદિરનું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરી, ભવ્ય મંદિર બને, રામરાજ્યની સ્થાપના થાય અને વિશ્વમાં શાંતિ થાય તે માટે ભગવાનનાં ચરણોમાં પ્રાર્થના કરી હતી.
લોકો પૂછે છે કે આ રામ મંદિર નિર્માણ પછી શું થશે? તો આપણે ગૌરવ પૂર્વક કહી શકીએ કે ભારતમાં ફરી રામ રાજ્ય સ્થપાશે અને હજારો હિન્દુઓ માટે સ્વાભિમાનનું પ્રતિક બનશે.” બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી અને પધારેલા તમામ આગેવાનશ્રીઓ દ્વારા વેદોક્ત વિધિપૂર્વક શાંતિપાઠ કરવામાં આવ્યો તેમજ અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું ત્યારે બાદ આરતી ગાન કરવામાં આવ્યું.
વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના અધ્યક્ષ – અશોકભાઈ રાવલે તેઓના સંબોધનમાં જણાવ્યું, “૫૦૦ વર્ષોની તપસ્યાના અંતે આજે ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે. રામ મંદિર માટે અનેક લોકોએ બલિદાન આપ્યાં છે, તેઓના બલિદાનના લીધે આજે આ શક્ય બન્યું છે. રામ મંદિર રાષ્ટ્ર મંદિર છે અને ભગવાન રામના જીવનમાંથી પ્રેરણા લઈશું તો ચોક્કસ ભારતમાં રામરાજ્ય સ્થપાશે. સમાજમાં શાસ્ત્ર, મંદિર અને સંતો ના હોત તો સનાતન ધર્મ ટક્યો ના હોત. આપણે સૌએ સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે જઈને સૌને રામ મંદિર દર્શનનું આમંત્રણ આપવાનું છે. આપણે સૌએ રામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠાના ૫ દિવસ પહેલાંથી દિવાળીની જેમ ઉત્સવ ઉજવવાનો છે.’
ધર્મ જાગરણ મંચ – ગુજરાતના શ્રી કીર્તિભાઈ ભટ્ટે તેઓના સંબોધનમાં જણાવ્યું, “ આજે આશરે ૩૦ વર્ષ પછી હું ૧૯૯૦ માં બોલાતો જયકારો આ સભામાં બોલાવી રહ્યો છું. “જયકારે વીર બજરંગી. હર હર મહાદેવ” આપણાં અનેક હિન્દુઓના બલિદાનોના લીધે આજે આપણે સૌ દિવાળી મનાવવા જઇ રહ્યા છીએ. ૧૯૮૯માં કાર સેવકોને અને ભગવો ધ્વજ ફરકાવી બલિદાન આપનાર કોઠારી બંધુઓને આજે આ પ્રસંગે અચૂક યાદ કરવા જોઈએ અને આજે મનાય છે કે તેમણે આપેલ બલિદાન એળે નથી ગયું. હું સમગ્ર ગુજરાતમાં સ્વયંસેવક તરીકે જતો હતો, ત્યારે સારંગપુર મંદિર જતો ત્યારે આ સ્વામિનારાયણ મંદિરના સંતોએ અમને આશીર્વાદ અને હૂંફ આપી છે અને ભૂખ્યા હોઈએ ત્યારે જમાડ્યા પણ છે.”
બીએપીએસના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ તેઓના સંબોધનમાં જણાવ્યું, “૧૯૬૮માં યોગીજી મહારાજ અને ૧૮ સંતો કલકત્તામાં પારાયણ પ્રસંગે ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી છપૈયા – અયોધ્યા ગયા હતા. સૌ પ્રથમ હનુમાનગઢી ગયા હતા, જ્યાં સ્વામિનારાયણ ભગવાન નાના હતા ત્યારે ૭ વર્ષ સુધી રોજ સવારે દર્શન કરવા જતાં અને રામાયણની કથા સાંભળતા હતા. ત્યારબાદ રામ જન્મભૂમિ ગયા હતા ત્યારે ત્યાં સૌ સંતો રામધૂન કરતાં હતાં ત્યારે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સહિત ૧૮ સંતોએ અડધો કલાક સુધી રામધૂન કરી હતી.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ જ અમદાવાદ મંદિરમાં પ્રથમ રામશિલાનું પૂજન ખૂબ જ ભક્તિ ભાવ સાથે કર્યું હતું અને પ્રાર્થના કરી હતી. આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજના હૃદયમાં પણ શ્રી રામ જન્મભૂમિ પ્રત્યે અનોખી આસ્થા છે. ૨૨ તારીખે આપણે સૌ ઘરો ઘર અને મંદિરોમાં સાક્ષાત્ ભગવાન શ્રી રામ પધાર્યા હોય તે રીતે ઉત્સવ મનાવવાનો છે.
ભગવાન શ્રીરામ સાચા અર્થમાં મર્યાદા પુરુષોત્તમ હતા અને તેઓએ આદર્શ પુત્ર અને આદર્શ ભાઈનું ઉદાહરણ સમગ્ર સમાજને આપ્યું છે. માતા સીતાજીની પતિવ્રતાની ભક્તિ અને સમર્પણ આપણે અચૂક યાદ રાખવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં માતા સીતાજીની સમજણની વાત કરી છે. આપણાં હિન્દુ ધર્મના પાયામાં રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો છે, જે આપણા સૌ માટે સંસ્કારોનું આદિ-સ્થાન છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજ્ઞા આપી છે કે ૨૨ જાન્યુઆરીએ આપણે સૌએ ઘરમાં રંગોળી કરવી,અન્નકૂટ કરવો અને સાક્ષાત્ ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા હોય તે રીતે ધામ-ધૂમથી ઉજવવો. તમામ ભારતવાસીઓ માટે આ ઐતિહાસિક પ્રસંગ છે.” સભામાં પધારેલા તમામ આગેવાનશ્રીઓનો હાર પહેરાવીને આભાર માનવામાં આવ્યો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો: વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના અધ્યક્ષ – અશોકભાઈ રાવલ, ધર્મ જાગરણ મંચ – ગુજરાતના શ્રી કીર્તિભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, અમદાવાદ જિલ્લા, અસારવામાંથી મંત્રી – શ્રી અમિતભાઈ શાહ, અધ્યક્ષ- શ્રી કિશોરભાઈ પરમાર, ઉપાધ્યક્ષ- શ્રી વીજુભાઈ શાહ, સમરસતા પ્રમુખ – શ્રી ભોજુભા જાડેજા, વિશેષ સંપર્ક પ્રમુખ- શ્રી દિનેશભાઈ શાહ; શાહીબાગ પ્રખંડની ટીમમાંથી પૂ. અંબુજ દાસજી મહારાજ – મેઘાણીનગર સંકટ મોચન હનુમાન મંદિર, પૂ. મોજે મસ્તરામ બાપુ – સરસપુર વાસણ શેરી, શ્રી રણજીત ભાર્ગવ – ધોબીઘાટ શનિદેવ મંદિર, મહાનગર મંત્રી શ્રી શશીકાંતભાઈ પટેલ, ઉ ગુજરાત પ્રાંત અધ્યક્ષ – શ્રી રાજુભાઈ ઠાકર, માતૃશક્તિ સહ સાયોજીકા – વર્ષાબા, દુર્ગા વાહિનીના નેહા શર્મા