તાલીમ સેવા કેન્દ્ર ખાતે યોજાયેલા દિવ્યાંગ ભરતી મેળામાં ૭૮ જેટલાં ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસના હસ્તે ખૂલ્લો મુકાયો દિવ્યાંગ ભરતી મેળો
રાજપીપલા: દિવ્યાંગ રોજગારવાંચ્છુઓને ઘર આંગણે રોજગારી મળી રહે તે હેતુથી નર્મદા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજપીપલામાં જિલ્લા સેવા તાલીમ ભવન ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર.બારીઆ, અતુલ કંપનીના મેનેજરશ્રી ગોંવિદભાઇ ડેરવાળીયા, સેવાતીર્થ કંપનીના મેનેજરશ્રી હાર્દિકભાઇ સોંલકી, કોજન્ટ કંપનીના મેનેજરશ્રી વિલીભાઇ, શ્રીજી કૃપા કંપનીના મેનેજરશ્રી ભાવેશ ચૌહાણ સહિત દિવ્યાંગજનોની વિશાળ ઉપસ્થિતિમાં દિવ્યાંગ ભરતી મેળો ખૂલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારીશ્રી જી.આર.બારીઆએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં દિવ્યાંગજનોને રોજગારી મળે અને કંપનીઓને કુશળ કર્મચારીઓ મળે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા આયોજીત આજના આ ભરતી મેળામાં ચાર જેટલી કંપનીના મેનેજરો ઉપસ્થિત રહીને તેમની કંપનીમાં જે તે જગ્યાની વેકેન્સીની પુરી પાડેલી વિગતો મુજબ લાયકાત ધરાવતા સંબંધિત ઉમેદવારોને તેનો લાભ લેવા જણાવ્યું હતું.
આ ભરતી મેળામાં ધોરણ પાંચથી લઇને સ્નાતક સુધીના ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ મેળામા ડેટા એન્ટ્રી ઓપરેટર, સીવણ, વેલ્ડીંગ ટેક્નીશીયન, કોમ્પ્યુટર હાર્ડવેર મેઇન્ટેનન્સ, ઇલેકટ્રીશીયન, મોબાઇલ રીપેરીંગ, કોલ સેન્ટર જેવી ચાર જેટલી નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો.
આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેલા અંદાજે ૧૦૦ જેટલા દિવ્યાંગજન ભાઇ-બહેનો પૈકી અંદાજે ૭૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિવ્યાંગજનોએ પોતાના મન ગમતાં વિવિધ ફિલ્ડમાં ઉમેદવારી પત્રો ભર્યાં હતા.
આ ભરતી મેળામાં ઉપસ્થિત વિવિધ કંપનીના મેનેજરોએ પોતાની સંસ્થાનો પરિચય ઉપરાંત તેમની સંસ્થામાં જે તે જગ્યા ઉપરની કામગીરી અંગે પ્રાથમિક જાણકારી સાથે જણાવ્યું હતું કે, પસંદગી પામનાર તમામ ઉમેદવારોને તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયે ઉમેદવાર તેના થકી પણ રોજગારનો અવસર પ્રાપ્ત કરી શકશે, જેમાં તેમની કાર્યશૈલી અને કુશળતા મુજબ તેમનું પ્લેસમેન્ટ કરવામાં આવશે.