Western Times News

Gujarati News

પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સહમતિથી શારીરિક સંબંધ બાંધે તો તે દુષ્કર્મ ના કહેવાયઃ કોર્ટ

અમદાવાદ, કેનેડાનું નાગરિકત્વ ધરાવતા એક પુરુષ વિરુદ્ધ એક મહિલાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદની સુનાવણી દરમિયાન અમદાવાદની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

આરોપી વ્યક્તિ સામે યુવતીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પરની સુનાવણીમાં કોર્ટે નિયમિત જામીન મંજૂર કરતાં અવલોકન કર્યું હતું કે પુખ્ત સ્ત્રી લગ્નની લાલચમાં આવી સંમતિથી શારીરિક સંબંધ બાંધે તો તેને દુષ્કર્મની વ્યાખ્યામાં મૂકી શકાય નહીં. મળતી જાણકારી અનુસાર, કેનેડાનું નાગરિકત્વ ધરાવતો આરોપી પુરુષ અને અમદાવાદની ૩૫ વર્ષીય ફરિયાદી મહિલા એક મેટ્રિમોનિયલ સાઈટ મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.

જોકે બાદમાં મહિલાએ પુરુષ વિરુદ્દ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં આ કેસમાં પુરુષની ધરપકડ કરાઇ હતી. જોકે બાદમાં પુરુષે રેગ્યુલર જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરી હતી કે મહિલાએ તેનો સામેથી સંપર્ક કર્યો હતો અને તેની મરજીથી અમારી વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.

મહિલા ડિવોર્સી હોવાની પણ તેણે છૂપાવી હતી. સેશન્સ કોર્ટે કેનેડિયન નાગરિકને રેગ્યુલર જામીન મંજૂર કરીને અવલોકન કર્યું હતું કે, મહિલા પુખ્ત વયની અને ડિવોર્સી હોવાથી લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધે તે દલીલ સાહ્ય રાખી શકાય નહીં અને તે માટે દુષ્કર્મ શબ્દ વાપરી શકાય નહીં.

પુરુષ સામે નોંધાવેલી ફરિયાદમાં મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેને લગ્નની લાલચ આપીને કેનેડાના નાગરિકે હોટેલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં ત્યાર પછી તેણે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદની મહિલાએ મેટ્રિમોનિયલ સાઈટ પરથી એપ્રિલ-૨૦૨૨માં કેનેડાનું નાગરિકત્વ ધરાવતા પુરુષનો સંપર્ક કર્યો હતો.

તે પછી બંન્ને વચ્ચે મોબાઈલ પર વાતો શરૂ થઇ હતી. ૨૦૨૩માં કેનેડાથી પુરૂષ તેના માતા- પિતાને મળવા અમદાવાદ આવ્યો હતો. એ પછી બંને વચ્ચે મુલાકાતો થઈ હતી.

ભોગ બનનાર મહિલા અને આરોપી પુરુષ હોટેલમાં જતા હતા અને મરજીથી શારીરિક સંબંધો બંધાયા હતા. પુરુષે લગ્ન કરવાનો ઇનકાર કરતા નારાજ થઇને મહિલાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. કોર્ટે આરોપીને રેગ્યુલર જામીન પર છોડવા કેટલીક શરતો પણ મુકી હતી. જેમાં આરોપી કેનેડાનો નાગરિક હોવાથી તે ભાગી ના જાય તે માટે આરોપીને પાસપોર્ટ કોર્ટમાં જમા કરી દેવા આદેશ કર્યો હતો અને કેનેડા જવું પડે તો કોર્ટને ૧૫ દિવસ પહેલા જાણ કરી પાસપોર્ટ પરત લેવો પડશે તેવો આદેશ કરાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.