નિષ્ઠુરતા એટલે બીજાના હક્કો પર આપણે જમાવેલું અવાંછિત આધિપત્ય
ઘણાખરા વિલનોના હાથમાં હવે ખંજર નથી હોતું, શબ્દોમાં અદ્રશ્ય ઝેર હોય છે. શબ્દો મહાભારત પણ કરાવી શકે છે,આપણે સૌ જાણીયે છીએ. કેટલાંક લોકોની નિષ્ઠુરતા આકાર વિનાની હોય છે .નિષ્ઠુરતાની હાજરી ક્યાંકને ક્યાંક છુપાઈને આપણી પરીક્ષા લેતી હોય ત્યારે ,આપણે અસામાન્ય બની જવું પડે. મક્કમ નિષ્ઠુરતાઓ આપણને હચમચાવી દે ત્યારે, છૂટક મજુરની જેમ મનને નાની ખુશીઓ યાદ કરાવી ધ્યેય સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ. પ્રગતિની ગાડીને જાણી જોઈને ધીરજની કેડી પર થોડીક વાર ઉભી કરી દેવી.
વૈશાખી વાયરા વાતા હોય અને ઉકળાટ ચરમસીમાને અડુ અડુ કરતો હોય ત્યારે જીવનમાં અજાણી નિષ્ઠુરતા તો બધે જ રહેવાની છે ,એવું મનને સતત કહેતાં રહેવું જોઈએ ….!
પરિસ્થિતિઓ સાનુકૂળ ન હોય ત્યારે સંવેદનાઓને ટકાવી રાખવી ખુબ અઘરી છે . આપણે પણ એટલું તો સમજીયે જ છીએ કે , સંજોગોના સ્વરૂપો બદલાય છે , સાથે સાથે માણસની ફીદરત બદલાતી જતી હોય છે . કેટલીક બિનશરતી નિષ્ઠુરતાઓ એકના વર્તનમાંથી બીજાની મનોભૂમિ તરફ વહેતી જાય છે.પોતાનું કામ કરવા જતા બીજા તરફ નિષ્ઠુરતાભર્યા શબ્દપ્રહાર હવે મોટાભાગે દરેક ખૂણે નજરે પડે છે.અસ્તિત્વની લડાઈમાં કોઈ પાછળ રહેવા માગતું નથી તેથી સભાનપણે બીજાને હટાવવાના પ્રયત્નો પ્રબળ બનાવવામાં આવે છે.આવી સ્થૂળ પ્રક્રિયા મનુષ્યમાં નિષ્ઠુરતાનો ભાવ વધારે છે.
કદરૂપા માણસને કદાચ અરીસો પણ નિષ્ઠુર લાગી શકે છે . આપણે ઈચ્છેલું જયારે આપણને નથી મળતું ત્યારે , આપણી ફરિયાદોનો દાવાનળ ભભૂકી ઉઠે છે .કેટલીક વાર સત્ય સમજાવવા લોકો આપણી સાથે ન કલ્પેલું વર્તન કરે ત્યારે , એમની પાસે રહેલાં છુપા શસ્ત્રોની અવગણના કરતા શીખવું પડશે.વધુ પડતી તમારી અપેક્ષાઓ પણ તમને ભટકાવી દે ત્યારે, તમારી ઈચ્છાઓના અશ્વની લગામ તમારા હાથમાં લઇ થોડોક સમય રોકાઈ જાવ.
આવા રોકાણોના અનુભવ તમને જીવનમાં આગળ ખુબ કામ આવશે .અનુભવોનું પોટલું વધતું જશે, અને સાથે સાથે ભુલોનું પ્રમાણ ઘટતું જશે . દરેક મનુષ્ય પાસે એક ભાવપ્રદેશની સમૃદ્ધિ હોય છે. કેટલાંક ભાવો કેળવવાં પડે છે , જયારે કેટલાંક ભાવ અનાયાસે ઉગી નીકળે છે.નિષ્ઠુરતા બસ એવો જ એક ભાવ છે ….
જે સ્વાભાવિક પણે ઓળખાઈ જાય છે , જયારે માણસ વધુ સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. વધુ સારા દેખાવાના પ્રયત્નોમાં પોતાની સાહજિક વૃત્તિઓ જેવીકે ઈર્ષા , દ્વેષ કે લાલચને ક્યાંય છતી ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.આવી કેટલીય વૃત્તિ પર સંયમિતતા કેળવવા જતા , અમુક ભાવો સમયાંતરે વિકૃત સ્વરૂપે બહાર આવે છે. નિષ્ઠુરતા આવો જ એક વિકૃત સ્વરૂપે આવેલો ભાવ છે .
કેટલીક વાર નાના માસુમ બાળકો સાથે અથવા અબોલ પ્રાણીઓ સાથે કેટલાંક લોકો ક્રૂર વર્તન કરતા જોઈએ ત્યારે આપણને અરેરાટી થઇ ઉઠે છે . મનમાં આવે છે કે , આવી વિકૃતિઓ લોકોના મનમાં કેમ આકાર લેતી હશે ?
આવા લોકોનો ભુતકાળ કંઈક એવાં અનુભવોથી પસાર થયો હોય છે , જેમાં તેઓ પોતે આવી પરિસ્થિતિમાં વિકટીમ બન્યા હોય છે .ઘણાં અપરાધીઓ કિસ્સાઓમાં મોટાભાગે એનું બાળપણમાં શોષણ થયું હોય છે , જેથી એનામાં સંવેદનશીલતાની ધાર બુઠ્ઠી થઇ જાય છે.તેઓનાં મનમાં નિષ્ઠુરતાનો ભાવ આવી પરિસ્થિતિમાં ક્રમશઃ વધતો રહે છે …અને અપરાધોની સંખ્યા પણ . સ્ત્રી કે પુરુષના જીવનમાં વધતાં જતા અસંતોષ તેને કેટલીક વાર સ્વાર્થી બનાવવાં લાગે છે.
દરેક કાર્યમાં વ્યક્તિ વિચારવા લાગે છે ,જયારે , મારે શું ? મારું શું ? એટલે એમા મારે કોઈ લેવાદેવા નથી ?અને એમાથી મને શું મળશે ? આવું વિચારવા લાગે ત્યારે સંબંધોના નકશા બદલાઈ જાય છે.આ પણ એક પ્રકારની નિષ્ઠુરતા જ છે .સંબંધોની દુનિયામાં લાગણીની વાવણીમાં કરાયેલી અલગ નિષ્ઠુરતા.
વૈચારિક રીતે અન્ય સાથે કરાયેલી નિષ્ઠુરતા માનવીના અંતરમાં બીજા માટે અંતર વધારવાની પ્રક્રિયા બનીને રહે છે .માનસિક અને શારીરિક રીતે અન્ય સાથે આચરવામાં આવેલું કોઈપણ જાતનું દમન માટે મન એ જીવ સાથે કરવામાં આવેલી નિષ્ઠુરતા છે .અન્ય સાથે કરવામાં આવેલી નિષ્ઠુરતા … સમયાંતરે આપણને મનુષ્યત્વના મૂલ્યાંકનમાં નીચલા પગથિયે ધકેલે છે . માટે કોઈ જીવ સાથે આવા ભાવ સાથે વર્તન કરતા પહેલાં બે વાર જરૂર વિચારવું જોઈએ .
પૃથ્વીના દરેક જીવને જીવવાનો અને જીવન માણવાનો પુરેપુરો હક્ક છે … માટે જયારે આપણને કોઈ જીવ કે વ્યક્તિ માટે અણગમાના ભાવ જાગે ત્યારે આપણી પ્રતિક્રિયાને સૌમ્ય જરૂર બનાવવી.
માનવી પોતાના આનંદ માટે પશુઓ અને પંખીઓના કહેવાતાં અભ્યારણો કે ઓપન ઝૂ બનાવે છે . મારા મતે આ પશુ અને પંખીઓ માટે કેટલેક અંશે આપણી નિષ્ઠુરતાનું દ્રષ્ટાંત છે.ખાવા – પીવાની સગવડ સાથે બનેલા પિંજરા કેટલાં પશુ પંખીને ગમતાં હશે ? એ પણ ક્યારેક આપણે વિચારવું પડશે .
જો પશુ અને પંખીને વાચા અને સત્તા મળે તો , એ લોકો મનુષ્યોના અભ્યારણ બનાવશે .નિષ્ઠુરતા , નિર્દયતા કે બર્બરતાનો સાચો અર્થ ત્યારે આપણને સમજાશે. આપણું જીવન કેટ – કેટલાય મનોભાવોનું મિશ્રણ છે , પણ નિષ્ઠુરતા અને નિર્દયતા જેવા અન્ય કોઈ ભાવોનું મિશ્રણ ટાળીને જો જીવન રૂપી કેનવાસ પર ચિત્ર દોરીશું તો, પતંગિયા સમી સુંદર કલ્પનાની પાંખો આપણને નિર્મળ જીવન ભણી લઇ જશે.