એક્ટિંગ છોડીને હવે મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે ઝીલ મહેતા
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની શરૂઆતમાં સોનુનો રોલ કરનારી ઝીલ મહેતા યાદ છે? એક્ટ્રેસમાંથી મેકઅપ આર્ટિસ્ટ બની ચૂકેલી ઝીલ મહેતાએ સગાઈ કરી લીધી છે.
જાણીને નવાઈ લાગીને? પણ આ વાત એકદમ સાચી છે. ટપ્પુ સેનાની મેમ્બર રહી ચૂકેલી સોનુ રિયલ લાઈફમાં એટલી મોટી થઈ ગઈ છે કે તેણે સગાઈ કરી લીધી છે. ઝીલ મહેતાએ પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ આદિત્ય સાથે સગાઈ કરી છે. ઝીલ મહેતાએ ઘણાં વર્ષો પહેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છોડી દીધી હતી. હવે તે એક્ટિંગની દુનિયા છોડીને મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે તેમ છતાં આજે પણ તે સોનુ ભીડે તરીકે જાણીતી છે.
ઝીલના બોયફ્રેન્ડ આદિત્યએ એકદમ ફિલ્મી અંદાજમાં તેને પ્રપોઝ કરી હતી. આદિત્યના પ્રપોઝલનો વિડીયો ઝીલે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વિડીયોમાં જોઈ શકો છો કે ઝીલના ફ્રેન્ડ્સ તેને આંખ પર પટ્ટી બાંધીને એક રૂફટોપ પર લઈ આવે છે, જ્યાં આદિત્ય પહેલાથી જ તેની રાહ જોતો હતો. આદિત્યએ ડાન્સ કરીને, ગીત ગાઈને તેને પ્રપોઝ કરી હતી. આ જોઈને ઝીલની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા હતા.
બેકગ્રાઉન્ડમાં ‘વીલ યુ મેરી?’નું બોર્ડ પણ જોઈ શકાય છે. આદિત્યની તૈયારી જોઈને લાગે છે કે, ઝીલને પ્રપોઝ કરવા અને પ્રપોઝલને યાદગાર બનાવવા તેણે ખૂબ મહેનત કરી હશે.
ઝીલે આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈનું ગીત કોઈ મિલ ગયા વગાડ્યું છે. એટલું જ નહીં કેપ્શનમાં પણ તેણે આ ગીતનો ઉલ્લેખ કરતાં લખ્યું, “કોઈ મિલ ગયા મેરા દિલ ગયા.” ઝીલ મહેતાએ આ વિડીયો શેર કરતાં જ ફેન્સે તો શુભેચ્છા આપી જ પણ તેના પૂર્વ કો-એક્ટર અને ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધીએ પણ હાર્ટ ઈમોજી પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. ઝીલ મહેતાએ ભલે આ શો છોડી દીધો છે પરંતુ તે આજે પણ શોના કો-એક્ટર્સના સંપર્કમાં છે.
ઝીલ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે અને તેના પેજ પર આદિત્ય સાથેના કેટલાય વિડીયો અને તસવીરો જોવા મળશે. ઝીલ અને આદિત્ય કેટલા સમયથી રિલેશનશીપમાં છે તેનો ખુલાસો તો નથી થયો. જોકે, આ પોસ્ટ પરથી તેમનો પ્રેમ જૂનો હશે તેનો અંદાજો લગાવી શકાય છે.
ઝીલના વિડીયો પર લોકો અભિનંદન આપવાની સાથે કડક શિક્ષક ભીડેને સાંકળીને પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, “હવે ભીડેનું મન શાંત થશે કારણકે સોનુની લાઈફમાં ટપ્પુ નથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ.” અન્ય એક યૂઝરે લખ્યું, “આ બધા વિશે ભીડેને ખબર છે?” “ભીડે ટપ્પુ ટપ્પુ કરતો રહ્યો અને સોનુને કોઈ બીજું જ લઈ ગયું. બાય ધ વે અભિનંદન”, તેમ વધુ એક યૂઝરે લખ્યું.
ઝીલની વાત કરીએ તો, શોબિઝ છોડીને તે પોતાની મમ્મી સાથે મળીને બ્યૂટી બિઝનેસ ચલાવે છે. ઝીલ મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે જ્યારે તેની મમ્મી હેરસ્ટાઈલિસ્ટ છે. બંને જણા સાથે મળીને બિઝનેસ ચલાવે છે અને સોશિયલ મીડિયા પરના તેમના પેજ પર આ અંગેની સતત અપડેટ આપતા રહે છે.SS1MS