Western Times News

Gujarati News

ઈમરાન ખાનને પેશાવર હાઈકોર્ટમાંથી મોટી રાહત

પેશાવર, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. પેશાવર હાઈકોર્ટે પાકિસ્તાનના ચૂંટણી પંચના નિર્ણયને પલટ્યો હતો. આ નિર્ણય બાદ PTI ને ચૂંટણી ચિન્હ બેટ પરત મળશે. ચૂંટણી પંચે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની આંતરિક ચૂંટણીઓ રદ કરવાનો અને પીટીઆઈના ચૂંટણી ચિન્હ બેટને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

પેશાવર હાઈકોર્ટના ન્યાયાધીશ એજાઝ ખાને પહેલાથી જ અનામત રાખવામાં આવેલો નિર્ણય સંભળાવ્યો હતો. ૨૨ ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના ચૂંટણી પંચે ૮ ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓ માટે પીટીઆઈને તેના ચૂંટણી પ્રતીક બેટનો ઉપયોગ કરવા પર રોક લગાવી હતી.

તેની પાછળનો તર્ક એ હતો કે પાર્ટી તેની આંતરિક ચૂંટણી કરાવવામાં નિષ્ફળ રહી હતી. આ પછી પીટીઆઈએ પેશાવર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી પેશાવર હાઈકોર્ટે ચૂંટણી પંચના આ નિર્ણયને સસ્પેન્ડ કરી દીધો હતો.

આ પછી પાકિસ્તાનના ચૂંટણી પંચે ફરી એકવાર પેશાવર હાઈકોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. તોશાખાના કેસને કારણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાં છે. તેમની પાર્ટીનું ચૂંટણી ચિન્હ બેટ છે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ લાંબા સમયથી ચૂંટણી ચિન્હને લઈને અનિશ્ચિતતાનો સામનો કરી રહી હતી.

ગયા મહિને જ ચૂંટણી પંચે પાર્ટીની આંતરિક ચૂંટણીને ફગાવીને પાર્ટીનું ચૂંટણી ચિન્હ જપ્ત કરી લીધું હતું. ડિસેમ્બરમાં યોજાયેલી પાર્ટીની આંતરિક ચૂંટણીમાં ઈરાન ખાનના નજીકના બેરિસ્ટર ગોહર ખાનને પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

પીટીઆઈએ ચૂંટણી ચિન્હ જપ્ત કરવા સામે પેશાવર હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ પછી ૨૬ ડિસેમ્બરે કોર્ટે પીટીઆઈની આંતરિક ચૂંટણીઓને ગેરબંધારણીય જાહેર કરવાના તેમજ પાર્ટીના ચૂંટણી ચિન્હને જપ્ત કરવાના કમિશનના નિર્ણયને સસ્પેન્ડ કર્યો હતો. કોર્ટના આ નિર્ણય સામે ચૂંટણી પંચે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. મંગળવારે આ સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.