અમદાવાદના નાગરિકોને ઢોરના ત્રાસમાંથી હાશકારો પણ કૂતરાનો ત્રાસ યથાવત
ઢોર પકડવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની આક્રમક કામગીરી ઃ ડિસેમ્બર-ર૦ર૩માં માત્ર ૧૦પ ફરિયાદ નોંધાઈ, જે જુલાઈ મહિનામાં ર૩૬૧ હતી
(એજન્સી) અમદાવાદ, શહેરીજનોને રોજબરોજના જીવનમાં કનડતી સમસ્યાઓમાં ટ્રાફિક, બિસમાર રોડ, રખડતાં ઢોર આ ત્રણ મુખ્ય બાબતનો સમાવેશ થાય છે, જે પૈકી અમદાવાદીઓ કમસે કમ રખડતાં ઢોરની રંજાડના મામલે હવે મહદ્અંશે હાશકારો અનુભવી રહ્યા છે, કેમ કે મ્યુનિસિપલ તંત્રને માત્ર ચાર મહિનામાં રખડતાં ઢોરના ત્રાસથી નાગરિકોને રાહત અપાવવાના મામલે સફળતા સાંપડી છે. પરંતુ હજુ રખડતાં કૂતરાનો ત્રાસ ઘટ્યો નથી.
એક સમય એવો હતો કે અમદાવાદમાં ઠેર ઠેર રખડતાં ઢોર જોવા મળતાં હતાં. શહેરના રોડ કહો, ફૂટપાથ કહો, ડિવાઈડર કહો, સર્કલ હોય કે શાકમાર્કેટ કે પછી કચરાના ન્યૂસન્સ સ્પોટ એમ અત્ર-તત્ર-સર્વત્ર રખડતાં ઢોરના ટોળાં જોવા મળતાં હતાં. ચોમાસાના દિવસોમાં તો ઠેર ઠેર રખડતાં ઢોરના જામેલા અડ્ડાથી એએમટીએસ કે બીઆરટીએસ બસ હંકારવાનું પણ મુશ્કેલીજનક બનતું હતું. બીઆરટીએસ કોરિડોરમાં રખડતાં ઢોર ઘુસી જતાં હતા.
https://westerntimesnews.in/news/251657/8-46-crore-spent-on-removal-of-stray-dogs-in-3-years/
આ બધાં કારણોસર ખાસ કરીને ટુ વ્હીલરચાલકો, વૃદ્ધો અને ગૃહિણીઓ વારંવાર આફતમાં મુકાતાં હતાં. અવારનવાર રખડતાં ઢોરની અડફેટે આવીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કિસ્સા પણ નોંધાતા હતા. અમુક સમયે તો કરુણ મૃત્યુ પણ નીપજતાં હતાં.
ગત તા.૧ સપ્ટેમ્બર, ર૦ર૩થી મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને શહેરમાં નવી પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ અંગેની પોલિસીની કડકાઈથી અમલવારી શરૂ કરાવી છે. આ અમલવારીના કારણે તંત્રે રખડતાં ઢોરને ઝબ્બે કરી તેને ઢોરવાડાના હવાલે કરવાની કામગીરીને સૌથી વધુ મહત્વ આપ્યું છે. મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં અન્ય વિભાગના સ્ટાફની ફાળવણી કરીને પણ શહેરને ઢોર રંજાડમુકત બનાવાઈ રહ્યું છે, જેમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓને આંખે ઉડીને વળગે તેવી સફળતા સાંપડી છે.
મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગનો ઢોરની રંજાડને લગતી લોકોની ફરિયાદનો સત્તાવાર રિપોર્ટ દર્શાવે છે કે ગત ડિસેમ્બર મહિનામાં તંત્રના ચોપડે માત્રને માત્ર ૧૦પ ફરિયાદ નોંધાવા પામી હતી, જે દિવસની ચાર ફરિયાદ પણ ન કહેવાય ! આની સામે ગત જુલાઈ-ર૦ર૩માં સત્તાવાળાઓને કુલ ર૩૬૧ ફરિયાદ મળી હતી એટલે કે રોજની ૭૮-૭૯ જેટલી ફરિયાદ લોકો દ્વારા સત્તાવાળાઓને કરાતી હતી.
ઓગસ્ટ-ર૦ર૩માં પણ રર૦૯ ફરિયાદ નોંધાવા પામી હતી. જોકે ૧ સપ્ટેમ્બર, ર૦ર૩થી નવી ઢોર પોલિસી અમલમાં મુકાતા તંત્રે સખતાઈપૂર્વક ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી. કોઈની શેહ-શરમમાં આવ્યા વગર આ કામગીરી કરવામાં આવતાં પશુમાલિકોમાં પણ ભારે ફફડાટ ફેલાવા પામ્યો હતો. અગાઉ પશુપાલકો આખો દિવસ પોતાના ઢોરને છૂટાં મુકી દેતા હતા, જે પ્રમાણ સાવ ઘટવા પામ્યું હતું.
આ ઉપરાંત પશુમાલિકો પાસે ઢોરને રાખવાની પૂરતી જગ્યા ના હોય તો તેને અમદાવાદ બહાર ખસેડી લેવાનું મ્યુનિસિપલ સત્તાવાળાઓએ અલ્ટિમેટમ આપ્યું હતું. ઢોર રાખવા માટેના લાઈસન્સ-પરમિટ ૯૦ દિવસમાં મેળવી લેવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું અને ૧ ડીસેમ્બર, ર૦ર૩ સુધીમાં લાઈસન્સ-પરમિટ ન ધરાવતા પશુમાલિકોએ પોતાના ઢોરનું અમદાવાદ બહાર સ્થળાંતર કરાવ્યું હતું. અત્યાર સુધીમાં એક અંદાજ મુજબ જગ્યા ન ધરાવતા પશુમાલિકોએ ર હજારથી વધુ ઢોરનું શહેર બહાર સ્થળાંતર કરાવ્યું છે.
ડિસેમ્બરમાં નોંધાયેલી ૧૦પ ફરિયાદો પૈકી મોટાભાગની બીમાર ઢોર, કોઈ ઠેકાણે ત્રણ-ચાર ઢોરનું ટોળું જોવા મળે તેવી સામાન્ય પ્રકારની છે. અમુક વાર તંત્ર પશુમાલિક પાસે પૂરતી જગ્યા ના હોય તે સમયે સમજૂતી આપતી વખતે તેમના ઢોર બહાર જોવા મળતાં હોય તો આસપાસના રહીશો તંત્રને આની ફરિયાદ કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને હવે બાઈકર્સ ગેંગ વગેરેનો ત્રાસ પણ ઓછો થવાથી પોલીસમાં ફરિયાદ કરવા જવું પડતું નથી. સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧પર પોલીસ ફરિયાદ તંત્ર દ્વારા બાઈકર્સ ગેંગ અને માથાભારે પશુમાલિકો સામે કરાઈ હતી, જોકે ડિસેમ્બરમાં ફકત ત્રણ ફરિયાદ કરી હતી !