અડાલજમાં રિક્ષાગેંગનો આતંક- કાકા-ભત્રીજા પર હુમલો
પાલનપુર, ગાંધીનગરના અડાલજમાં રિક્ષાગેંગે આતંક મચાવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ પોલીસમાં નોંધાયો છે. સર્પાકાર રીતે રિક્ષા ચલાવવા બાબતે ઠપકો આપતાં કેટલાક શખસો પાઈપ અને છરી લઈ કાકા ભત્રીજા પર તૂટી પડયા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો.
અડાલજ ગામમાં રહેતા વિવેકભાઈ સેંગાર કલર કોન્ટ્રાકટર તરીકે ધંધો કરે છે. ગત તા.૧ની રાત્રે વિવેકભાઈ રાત્રીના દસેક વાગે સોસાયટીના ગેટ ઉપર બેઠા હતા ત્યારે તેમનો ભત્રીજો આદીત્ય પ્રતાપસિંહે જઈને કહ્યું હતું કે, એક રિક્ષા સોસાયટીની બહારથી નીકળી છે. જે રિક્ષા રોડ ઉપર આડી અવળી મારા આગળથી ચલાવતા મેં રિક્ષાચાલકને ટકોર કરી હતી જેથી રિક્ષામાંથી ચાર શખસોએ ઉતરીને માર માર્યો છે.
જેથી વિવેકભાઈ તેમના ભત્રીજા અને અન્ય માણસો સાથે વાહનો લઈને રિક્ષાનો પીછો કર્યો હતો. ત્યારે અડાલજ ટી.પી. રોડ એન.કે. ભઠ્ઠાની સામે રિક્ષા સાથે ચાર શખસો ઉભા હતા તેમની સાથે વાત કરવા જતા ચારેય જણા અચાનક કાકા ભત્રીજાને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. તે પૈકી એક શખસે લોખંડની પાઈપ ફટકારતા વિવેકભાઈ નીચે ઝૂકી જતા પાઈપ તેમના માથામાં વાગી હતી.
તે દરમિયાન અન્ય એક શખસ રિક્ષામાંથી છરી લઈ ધસી આવ્યો હતો અને આદિત્યના માથામાં મારી હતી. આ હુમલામાં કાકા ભત્રીજાના માથામાંથી લોહી વહેવા લાગતા સોસાયટીના સભ્યો ભરત ચૌધરી અને જીતેન્દ્ર પ્રજાપતિએ વચ્ચે પડી બંનેને વધુ મારમાંથી છોડાવ્યા હતા.
તે વખતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રિક્ષા ગેંગ પલાયન થઈ ગઈ હતી. ગંભીર ઈજાગ્રસ્ત કાકા ભત્રીજાને એમ્બ્યુલન્સ મારફતે અડાલજ સી.એચ.સી.માં સારવાર માટે લઈ જવાયા હતા. આ અંગે આનંદજી નામના શખસ સહિત ચાર હુમલાખોરો સામે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.