Western Times News

Gujarati News

મ્યુનિ. STP વિભાગના અધિકારીઓ કોન્ટ્રાકટરને પેનલ્ટીથી બચાવવા મરણિયા થયા

૧પપ એમએલડી પ્લાન્ટમાં પાવર બાંહેધરી મુજબ પાવર જનરેટ થતો નથી છતાં કોન્ટ્રાકટરને પેનલ્ટીથી મુક્તિ

મ્યુનિ. એસ.ટી.પી. વિભાગના ૧૦૦ એમએલડી અને ૧પપ એમએલડી પ્લાન્ટમાં જનરેટ થયેલ પાવર યુનિટ ૨૦૨૨

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્ષો જુના છે જેના કારણે કેટલાક પ્લાન્ટમાં યોગ્ય પેરામીટર મળતા નથી પરંતુ જે પ્લાન્ટ નવા બનાવવામાં આવ્યા છે તેવા પ્લાન્ટમાં પણ પેરામીટર મળતા ન હોવાની વિગતો અવારનવાર બહાર આવે છે. મ્યુનિ. તંત્ર દ્વારા આ તમામ પ્લાન્ટ ઓપરેશન મેઈન્ટેન્સ માટે ખાનગી કોન્ટ્રાકટરોને સોંપવામાં આવે છે

જેના માટે દર વર્ષે કરોડો રૂપિયા ચુકવવામાં આવે છે આ ઉપરાંત તેના લાઈટ બીલ પણ તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે. આ વીજ બીલોની મોટી રકમથી છુટકારો મળે તે હેતુથી વિંઝોલમાં ૧૦૦એમએલડી અને નવા પીરાણામાં ૧પપ એમએલડી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે તેમાં પાવર જનરેટની ખાસ શરત રાખવામાં આવી હતી તથા તેના આધારે જ કોન્ટ્રાકટરોને તગડી રકમ પણ ચુકવવામાં આવી હતી.

આ બંને પ્લાન્ટ બે વર્ષથી શરૂ થઈ ગયા છે પરંતુ તેમાં કોન્ટ્રાકટરો દ્વારા પાવર જનરેટ માટે જે બાહેંધરી આપવામાં આવી હતી તે મુજબ પાવરનું ઉત્પાદન થતું નથી અને તંત્ર મોટા વીજબીલ અને કોન્ટ્રાકટરોને ઓપરેશન મેઈન્ટેન્સની રકમ ચુકવી રહયું છે. ચોંકાવનારી બાબત એવી છે કે આ બંને પ્લાન્ટ પૈકી ૧૦૦ એમએલડી પ્લાન્ટના કોન્ટ્રાકટરને નિયમ મુજબ પેનલ્ટી કરવામાં આવી છે જયારે ૧પપ એમએલડી પ્લાન્ટના કોન્ટ્રાકટર માટે ખાતાના અધિકારીઓએ વધુ એક વખત લાલ જાજમ બીછાવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિંઝોલ ખાતે રૂ.૧૦૩ કરોડના ખર્ચથી ૧૦૦ એમએલડી ક્ષમતાના અને પીરાણા ખાતે રૂ.૧પ૧ કરોડના ખર્ચથી નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે આ બંને પ્લાન્ટના કામ ડીસેમ્બર- ર૦ર૧માં પૂર્ણ થયા હતા અને જાન્યુઆરી-ર૦ર૧થી કમીશનીંગ શરૂ થયું હતું. ૧૫૫ એમએલડીનો કોન્ટ્રાક્ટ રાજમલ બિલ્ડર અને ૧૦૦ એમએલડીનો કોન્ટ્રાક્ટ એચએનબી એન્જિનિયરીંર્સને આપવામાં આવ્યો છે.

આ બંને પ્લાન્ટની ટેન્ડર શરત મુજબ સુએઝ વોટરમાંથી વીજળીનું ઉત્પાદન કરવાનું હતું તથા જે કોન્ટ્રાકટરોએ દર મહિને વધુ વીજ ઉત્પાદનની બાહેંધરી આપી હતી તેમને આ કામ સોંપવામાં આવ્યા હતાં. ૧૦૦ એમએલડી પ્લાન્ટ માટે દૈનિક ૧૮૮૩૮ યુનિટ તથા ૧પપ એમએલડી માટે રર૩પ૦ યુનિટ એનર્જી જનરેટ કરવા બાહેધરી આપવામાં આવી હતી.

પરંતુ ૧૦૦ એમએલડી પ્લાન્ટમાં જાન્યુઆરી-ર૦રરથી ડીસેમ્બર- ર૦ર૩ સુધી એટલે કે ર૪ માસના અંતે કુલ રપ,૪ર,૮૯ર યુનિટ જ વિજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જયારે તેની બાંહેધરી મુજબ ર૪ મહિનામાં કુલ ૧,૩૭,પ૧,૭૪૦ યુનિટનું ઉત્પાદન કરવાનું હતું આમ કોન્ટ્રાકટરે આપેલી બાંહેધરી કરતા માત્ર ર૦ ટકા જ પાવર જનરેટ થયો છે. તેવી જ રીતે ૧પપ એમએલડીના કોન્ટ્રાકટરે ર૧ મહિનામાં પ૦,૮૪,૭૩૦ યુનિટ પાવર જનરેટ કર્યો છે.

અહીં નોંધનીય બાબત એ છે કે જાન્યુઆરી-ર૦રરથી પ્લાન્ટ શરૂ થઈ ગયો હોવા છતાં એપ્રિલ-ર૦રર થી પાવર જનરેટ કરવામાં આવ્યો છે. જયારે તેની બાંહેધરી મુજબ ર૧ મહિનામાં ૧,૪૩,૦૪,૦૦૦ પાવર જનરેટ થવો જરૂરી હતો. આમ ૧૦૦ એમએલડી અને ૧પપ એમએલડી બંને પ્લાન્ટમાં નિયમ તથા બાંહેધરી મુજબ પાવર જનરેટ થયો નથી તેમ છતાં એસટીપી વિભાગ દ્વારા માત્ર ૧૦૦ એમએલડી પ્લાન્ટને પેનલ્ટી કરવામાં આવી છે.

મ્યુનિ. એસટીપી વિભાગ દ્વારા ૧૦૦ અને ૧પપ એમએલડી પ્લાન્ટના વીજ બીલમાંથી છુટકારો મેળવવા માટે પાવર જનરેટની શરત રાખવામાં આવી હતી પરંતુ બાંહેધરી મુજબ વીજ ઉત્પાદન થયું નથી. તેથી કોર્પાેરેશનને કોઈ જ ફાયદો મળ્યો નથી. ૧૦૦ એમએલડી પ્લાન્ટમાં દર મહિને સરેરાશ ૧૯ હજાર યુનિટ વીજ વપરાશ થાય છે. જેની સામે માત્ર ૭,૫૦૦ વીજ યુનિટ જ બાદ મળે છે.

જ્યારે ૧૫૫ એમએલડીમાં મહિને ૧૯ હજાર યુનિટ સામે માત્ર ૧૦ હજાર યુનિટ બાદ મળે છે. બંને કોન્ટ્રાકટરો આપેલી બાંહેધરી મુજબ પાવર જનરેટ કરી શકયા નથી તેથી નિયમ મુજબ પ્લાન્ટના એકચુઅલ પેરામીટર્સના આધારે ટેન્ડરની શરત મુજબ પેનલ્ટી કરવાની રહે છે. મ્યુનિ. એસટીપી વિભાગના બહાદુર અધિકારીઓએ ૧૦૦ એમએલડી પ્લાન્ટના કોન્ટ્રાકટરને જાન્યુઆરીથી ડીસેમ્બર-રર સુધીની ગણતરી કરી કુલ ૩ કરોડ ૧૭ લાખની પેનલ્ટી કરી છે જે તેના બીલમાંથી કાપવામાં આવી છે પરંતુ અહીં ચોંકાવનારી બાબત એ છે કે ૧પપ એમએલડી પ્લાન્ટના કોન્ટ્રાકટર રાજ કમલ બિલ્ડર્સને હજી સુધી કોઈ જ પેનલ્ટી કરવામાં આવી નથી.

વિભાગના સુત્રોનું માનીએ તો કોન્ટ્રાકટર રાજકમલ બિલ્ડર્સને બચાવવા માટે થઈ બીલની ગણતરી કરવામાં આવતી નથી તેમજ પેનલ્ટીની ગણતરી પ્લાન્ટના ડીઝાઈન કન્સલ્ટન્ટના અભિપ્રાય મોકલવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. આ પ્લાન્ટના કોન્ટ્રાકટરને ઓપરેશન મેઈન્ટેન્સ માટે દર મહિને રૂ.૪ કરોડ ૮૦ લાખ ચુકવાય છે તેમ છતાં તેની પેનલ્ટી કાપવામાં આવતી નથી.

અત્રે નોંધનીય છે કે આજ કોન્ટ્રાકટરને વિંઝોલ ૩પ એમએલડી, શંકર ભુવન રપ એમએલડી અને જલવિહાર ૬૦ એમએલડીના પ્લાન્ટ પણ ઓપરેશન મેઈન્ટેન્સ માટે સોંપવામાં આવ્યા છે જેમાં વિંઝોલમાં પેરામીટર્સની ગણતરી કરવાના બદલે દર મહિને ફિકસ રકમ ચુકવાઈ રહી છે આ રીતે પેમેન્ટ કરીને કોન્ટ્રાકટરને પેનલ્ટીથી બચાવવામાં આવી રહયો છે. જલવિહાર ૬૦ એમએલડી પ્લાન્ટમાં પણ ૩ વર્ષથી કોન્ટ્રાકટરને પેમેન્ટ ન કરી પેનલ્ટીથી બચાવવા પ્રયત્ન થઈ રહયા છે તેમજ શંકરભુવન રપ એમએલડી પ્લાન્ટમાં પણ કોન્ટ્રાકટર અને અધિકારીની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે. આવા પ્રકારની ચર્ચાઓ એસટીપી વિભાગમાં ચાલી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.