પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામ ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું
(તસ્વીરઃ મનુભાઈ નાયી, પ્રાંતિજ) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભુખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. જેમાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. પ્રાંતિજ તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફતેપુર ગામે પૂર્ણ થઇ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાની કામગીરી અને નાગરીકોની ઉપસ્થિતિ બાબતે ગુજરાતમાં જિલ્લો ત્રીજા નંબરે અને તાલુકામાં પ્રાંતિજ તાલુકો પ્રથમ નંબરે છે. જે બદલ સૌ નાગરીકોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ ઉમેર્યું કે, ૨૦૪૭માં ભારતની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. આ સમયે ભારત પૂર્ણ રીતે વિકસિત બને તે માટે દેશના સૌ નાગરીકો કટીબધ્ધ બને અને લોકોને સરકારી યોજનાઓની જાણકારી મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આ અત્યાધુનિક રથના માધ્યમથી દેશના ખુણે ખુણે પહોંચી લોકોને લાભાન્વિત કરી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સાબરકાંઠાના આઠ તાલુકાના ૪૬૦થી વધુ ગામોમાં પહોચ્યો છે. જ્યાં બે લાખ જેટલા લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા છે. આ રથ થકી આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય સેવાઓ જેમાં સિકલસેલ , ટી.બી. સ્કિંનિંગનો લાભ નાગરીકોને મળ્યો છે. નવા ઉજજવલના રજિસ્ટ્રેશન, વિમા યોજના જેવા લાભો નાગરીકોને ઘરે બેઠા મળ્યા છે.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વિ ડી ઝાલાએ જણાવ્યું કે, પ્રાંતિજ તાલુકાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ ગામે પહોંચતા ગામના દરેક વ્યક્તિને દરેક લાભ મળી શકે તે માટે સરકાર તમારા આંગણે આવી છે. વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદી આપણા છે અને તેઓ ગરીબ લોકોને મુશ્કેલીઓની ખૂબ સારી રીતે સમજે છે. તેના માટે તેમણે આરોગ્યમય આયુષ્યમાન કાર્ડની સુવિધા કરી જેમાં કેંદ્ર સરકાર પાંચ લાખ અને રાજ્ય સરકાર ૫ લાખ એમ લાખની મેડીકલ સહાય આપી છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા સમાહર્તા શ્રી નિમેષ દવે, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેંદ્રસિંહ બારૈયા, તાલુકા સદસ્ય બાબુસિહ સાબરડેરી ના ડિરેક્ટર મણીકાકા પટેલ તેમજ ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. આરોગ્ય વિભાગ સ્ટાફ સહિતના જુદા જુદા વિભાગોના કર્મચારીઓએ ખડેપગે રહી સેવાઓ કરી હતી.