પત્રકાર અને પોલીસની કામગીરીથી 5 વર્ષની દીકરીનું પરિવાર સાથે મિલન
મેઘરજ પોલીસે યોગ્ય તપાસ કરી બાળકીનો હવાલો માતા-પિતાને સોંપ્યો હતો-વિખૂટી પડેલી પ વર્ષીય દીકરીનું પરિવાર સાથે મિલન થયું
મેઘરજ, અરવલ્લી જિલ્લાના મેઘરજમાં થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશથી ભટકતા ભટકતા ઠંડીમાં ઠૂંઠવાતા યુવકને પત્રકાર મિત્રો અને પોલીસ સહયોગથી તેની માતા સાથે મિલન કરાવવાની સુઃખદ ઘટના બાદ વધુ એકવાર એક જાગૃત પત્રકારે માતા-પિતાથી વિખૂટી પડેલી નિઃસહાય હાલતમાં રડતી દીકરીને લોક સહયોગથી પોલીસની મદદ લઈ પરિવાર સાથે મિલન કરાવતા વિખૂટી પડેલી દીકરીને શોધખોળ કરતા માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.
મેઘરજના નગરજનોએ પત્રકાર અને પોલીસની કામગીરીની સરાહના કરી હતી. મેઘરજના ઉડવા રોડ પર સીએનજી પંપ નજીકથી એક પાંચ વર્ષીય બાળકી મળી આવતા સ્થાનિકો અને દુકાનદારો દ્વારા મેઘરજનગરના જાગૃત પત્રકાર અને સમાજ સેવક રહીમભાઈ ચડીનો સંપર્ક કર્યો હતો જયાં રહીમભાઈ પહોંચી બાળકીને પોતાનું નામ પુછતા પોતે પોતાનું નામ તુલસી અને માતાનું નામ ભાવના તથા પિતાનું નરેશ નામ બતાવી રહી હતી,
બાળકી ગભરાયેલી જણાતા રહીમભાઈ દ્વારા બાળકીને બિસ્કીટ અને નાસ્તો અપાવી પ્રેમપૂર્વક પુછપરછ કરી હતી ત્યારે બાળકી આગળ કંઈ પણ બોલવા માટે ડરી રહી હતી ત્યાર પછી સ્થાનિકો અને જાગૃત પત્રકાર રહીમભાઈ દ્વારા મેઘરજ પીએસઆઈ વી.જે. તોમરનો સંપર્ક કરતા મહિલા પોલીસકર્મી સાથે પોલીસવાન મોકલી આપી હતી અને બાળકીને પોલીસ મથક લઈ જવાઈ હતી.
બાળકીની શોધતા એક મહિલા ત્યાં આવી પહોચી હતી અને એ મહિલા બાળકીની માતા હોવાનું કહેતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહિલાને અને તેમના પતિને પોલીસ મથક જવાનું કહી પીએસઆઈ તોમર સાથે પત્રકાર રહીમ ચડીએ ટેલીફોનીક વાત કરી અને બાળકીની માતા તેમજ પિતા પોલીસ મથકે આવી રહ્યાની જાણકારી આપી હતી. મેઘરજ પોલીસે યોગ્ય તપાસ કરી બાળકીનો હવાલો માતા-પિતાને સોંપ્યો હતો ત્યારે મેઘરજ નગરના જાગૃત લોકો અને એક જાગૃત પત્રકાર તથા પોલીસના સહિયારા પ્રયાસની પ્રશંસા કરી હતી.