રાજકોટમાં માત્ર ૨૦૦ રૂપિયાના વ્યાજ માટે યુવાનની હત્યા થઇ
રાજકોટ, રાજકોટમાં વ્યાજખોરોનું વીસચક્ર અનેક પરિવારની જિંદગી ઝેર કરી રહ્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં માત્ર ૨૦૦ રૂપિયા જેવી રકમમાં હત્યા કરી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. રાજકોટ શહેરમાં ૮ જાન્યુઆરીએ રાત્રે યુવાનની હત્યા થઈ હતી. હત્યામાં મૃત્યુ પામેલા યુવાનોનું નામ સુરજ ઠાકર હોવાનું સામે આવ્યું હતું.
સુરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મૃતકના પિતા તેજસભાઈ ઠાકરે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા લીધા હતા. જેનો દરરોજનું વ્યાજ ?૨૦૦ હતું. તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી. જે બાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી.
ત્યાર બાદ મૃતક સુરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર અને તેમની માતા સુનિતાબેન ઠાકર કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા. જે સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હતો.
મૃતકના ભાઈએ વધુમાં કહ્યું હતું કે, જે બાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર તેમના માતા અને ભાઈ પણ તૂટી પડ્યા હતા. તેમના ભાઈ સુરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત સુરજને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો.
પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચતી હતી. ઇજાગ્રસ્ત સુનિતાબેન ઠાકરને હાલ સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ, આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો. જુવાન પુત્રના મૃત્યુથી ઠાકર પરિવાર હિબકે ચડ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની વિગત મેળવી આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. SS3SS