પાતળા લોકોની ગંભીર સમસ્યાઃ વજન કેવી રીતે વધારવું?
કૃશકાયની પીડા સામે નગણ્ય છે સ્થૂળકાયની સમસ્યા
સ્થૂળતાની સમસ્યાથી પીડાતી માનુનીઓ જ્યારે કોઈ એકવડા બાંધાની નાજુકનમણી કન્યા કે યુવતીને જુએ તો તેઓ લઘુતાગ્રંથિ અનુભવે છે. ‘હું પમ આવી સ્લીમટ્રીમ હોત તો?’ તેઓ મનમાં વિચારે છે. ચરબીથી લથપથ કાયા ધરાવતી સ્ત્રીઓ સામાન્ય રીતે પંજાબી સૂટ કે સાડી જેવા પરંપરાગત વસ્ત્રોમાં જ શોભે છે.
વેસ્ટર્ન આઉટફીટમાંથી દેખાતા તેમની કાયાના ચરબી જામેલા વળાંકોમાં તેઓ ખૂબ ભેદી લાગે છે. સાડી પણ જો વ્યવસ્થિત રીતે ન પહેરેલી હોય તો દેહ પર અડીંગો જમાવીને સ્થાયી થઈ ગયેલા ચરબીના થર સ્પષ્ટ દેખાય છે. આવામાં તે જ્યારે કોઈ પાતળી પરમારને જિન્સ અને ટી-શર્ટ કે સ્કર્ટ પહેરતી જુએ ત્યારે થોડીવાર માટે તો તેમની ઉપર વજન ઉતારવાનું રીતસરનું ઝનૂન સવાર થઈ જાય છે.
અખબારો કે સામયિકોમાં પણ મોટાભાગે સ્થૂળકાય લોકો વિશે જ વાંચવા મળે છે. વજન ઘટાડવા માટેની તેમની મથામણ દયાજનક હોય છે. વળી મહાનગરમાં વસતા યુવાન પુરુષો પણ હવે પાતળા થવાની રેસમાં સામેલ થઈ ગયા છે. આ આનું એક કારણ ફિલ્મી સિતારાઓની દેખાદેખી છે. બીજું અંત્યંત મહત્વનું કારણ છે નોકરી. હા, આજની તારીખમાં કોર્પાેરેટ કંપનીમાં જોબ મેળવવા ઈચ્છતા યુવાનો સારી પેઢે જાણે છે કે જો તેઓ સ્થૂળકાય હશે તો તેમને ઈÂચ્છત જોબ મેળવવામાં ખાસ્સી મુશ્કેલી નડશે.
પરંતુ શું તમે જાણો છો કે પાતળા થવા માટે પરસેવો પાડતાં લોકો કરતાં વજન વધારવાના વલખાં મારતા લોકોની સંખ્યા ઘણી વધુ છે. ખાસ કરીને અત્યંત દુબળા દેખાતા પુરૂષો પોતાનું વજન વધારવા સતત પુરૂષાર્થ કરતાં રહે છે. તેમાંય જો તેમની ઊંચાઈ વધારે હોય તો તેઓ વધુ પાતળા દેખાય છે. સામાન્ય રીતે પુરૂષો અત્યંત દુબળા દેખાવાનું પસંદ નથી કરતાં. તેઓ દ્રઢપણે માને છે કે અતિશય ક્ષીણ કાયા ધરાવતા યુવકનું વ્યક્તિત્વ પ્રતિભાશાલી નથી લાગતું.
જિમમાં જતાં યુવક-યુવતીઓમાં ચરબી ઉતારવા કરતાં, વજન વધારવા જતાં લોકોની સંખ્યા ઘણી વધારે છે. જો કે કેટલાંક દુબળા-પાતળા યુવાનો માને છે કે અમે પાતળા હોવા છતાં ફીટ છીએ એ જ અમારા માટે મહત્વનું છે. અભિનેતા કુણાલ કપૂર પણ આવોજ મત ધરાવે છે. તે કહે છે કે મેં જ્યારે એમ.એફ. હુસેનની ફિલ્મ મીનાક્ષી દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે ઘણાં લોકોએ મને કહ્યું હતું કે એક કલાકાર તરીકે હું ખૂબ દુબળો છું.
તેઓ મને થોડું વજન વધારવાની કે બાવડા બનાવવાની સલાહ આપતાં. પણ મારા મત મુજબ તમે દુબળા હો કે સ્થૂળકાય, તમે શારીરિક રીતે સ્વાસ્થ્ય અને ફીટ હો એ જરૂરી છે. તે વધુમાં કહે છે કે મારો મેટાબોલીક રેટ અત્યંત ઉંચો હોવાથી મારું વજન નથી વધતું. ઉલ્લેખનીય છે કે છ ફૂટ અને બે ઈંચની ઉંચાઈ ધરાવતાં કુણાલનું વજન માત્ર ૭૯ કિલો છે. જો કે તેની આટલી વધુ ઉંચાઈને કારણે તે વધુ દુબળો દેખાય છે.
જ્યારે બધા પાતળા યુવકો કુણાલની જેમ નથી વિચારતા. અત્યંત દુબળા હોવાથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે અને વજન વધારવા સતત ઝાંવા નાંખ્યા કરે છે. ઘણાં ક્ષીણકાય ધરાવતા લોકોની વિડંબણા એ હોય છે કે તેઓ ગમે તેટલું ખાય તોય તેમનું વજન નથી વધતું.
આવી જ એક દુબળી-પાતળી યુવતી કહે છે કે મારું વજન વધારવાના મારા બધા જ પ્રયત્નો એળે ગયા છે. હું ગમે તેટલો ચરબીયુક્ત ખોરાક લઉં, ઘરકામ ન કરું. આળસુની જેમ પડી રહું તોય મારા શરીરે ચરબી વધતી જ નથી. મારી મમ્મી કહે છે કે તને ઘીમાં ડુબાડી રાખીએ તોય તું આવી જ રહીશ. આમ છતાં તે નિયમિત રીતે પોષણશાસ્ત્રીઓનો સંપર્ક સાધી પોતાનું વજન વધારવાનો પ્રયત્ન કરતી રહે છે.
ડાયેટીશીયન, જિમ અને મેડિકલ સ્ટોરના માલિકો જણાવે છે કે તેમની પાસે આવતાં દસમાંથી ત્રણ જણ વજન વધારવા માટે વલખાં મારતા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક ઠેકાણે સ્થૂળતા વિશેની ચર્ચા થતી હોવાથી કૃશકાય લોકો તરફ કોઈનું ધ્યાન નથી જતું. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું હતું કે સ્થૂળકાયા કરતાં કૃશકાયાની સમસ્યા ઘણી વધારે છે.
આ અભ્યાસ મુજબ દેશભરમાં માત્ર ૧૩ ટકા પુરૂષો અને નવ ટકા સ્ત્રીઓ જ વધારે વજનની સમસ્યાથી પીડાય છે. આ સર્વેક્ષણમાં એમ પણ જણાઈ આવ્યું હતું કે ૧૫ થી ૪૯ વર્ષ વચ્ચેની વય ધરાવતા ૩૪ ટકા પુરુષો અને ૩૬ ટકા સ્ત્રીઓ સુકલકડી છે. જો કે આમાંના મોટાભાગના લોકો કુપોષણને કારણે કુશકાયા ધરાવતાં હોય છે. જ્યારે બહુ ઓછા લોકો ખાઈ-પીને પાતળા રહે છે.
સુકલકડી વ્યક્તિ સ્વસ્થ હોય તો તેને તેની કૃશકાયા સામે ઝાઝો વાંધો નથી હોતો. પરંતુ જો આવી વ્યક્તિ સ્થૂળકાય લોકો સાથે રહેતી હોય તો તેઓ તેને વારંવાર તેની સાવ જ પાતળી દેહયષ્ટિ બદલ ચીડાવે છે. શ્રીમાલીની હાલત પણ કાંઈક એવી જ છે. તેના મિત્રવર્તુળમાં તે એક જ આટલી દુબળી હોવાથી બધા તેને ચીડાવે છે. પાંચ ફૂટ અને પાંચ ઈંચની ઉંચાઈ ધરાવતી શ્રીમાલીનું વજન માત્ર ૪૫ કિલો છે. જ્યારે તેના મિત્રો તેની ઠેકડી ઉડાડે ત્યારે તે પોતાનું વજન વધારવાનો નિર્ણય કરે છે.
તે જિમમાં જોડાય છે, આહારશાસ્ત્રીનો સંપર્ક સાધે છે, પણ અંતે બધું નકામું જાય છે. જ્યારે અત્યંત દુબલી દીકરીની માતા પણ ઘણીવાર ચિંતાની મારી તેને ડાયેટીશીયન પાસે લઈ જાય છે. ખાસ કરીને ઉમરલાયક યુવતીની માતાને તેના લગ્નની ચિંતા સતાવતી હોય છે. આવી સ્થિતિમાં પોષણશાસ્ત્રીઓ તેમને પુષ્કળ માત્રામાં પ્રોટીન અને કાર્બાેહાઈડ્રેટ ધરાવતો ખોરાક લેવાની સલાહ આપે છે. આ ઉપરાંત આવી યુવતીઓની વહારે જિમ ઈન્સ્ટ્રક્ટર પણ આવે છે. આહારશાસ્ત્રીએ દર્શાવેલા ખોરાક ઉપરાંત હળવી કસરતનું સંયોજન કરી તેમનું વજન વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
છેવટે એક વાત નક્કી, મનુષ્ય હંમશા અસંતોષી જ હોય છે. સ્થૂળકાય લોકોને તેમની સ્થૂળતા સતાવે છે, તો કુશકાય લોકોને તેમની સ્થૂળતા સતાવે છે, તો કુશકાય લોકોને તેમની સુકલડી કાયા કનડે છે. જેની પાસે જ છે તેનાથી રાજી રહેતાં તેમને નથી આવડતું. આવી સ્થિતિમાં ‘બોડી શોપિંગ’ના ઠેકેદારોને તો બખ્ખાં થવાનાં જ.