Western Times News

Gujarati News

“સ્વચ્છતાથી સમગ્ર દેશમાં રોશની ફેલાવતું ડાયમંડ સિટી સુરત”

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે સુરતના મેયર અને મ્યુનિ. કમિશનરે એવોર્ડ – સર્ટિફિકેટ સ્વીકાર્યું

ઇન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું

(પ્રતિનિધિ) સુરત,  નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામોમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકા ઈન્દૌર શહેર સાથે સંયુક્ત રીતે પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું છે. ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું.

સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્રના છેલ્લા એક વર્ષના અથાગ અને નિરંતર પ્રયાસોને સુરત હવે સમગ્ર દેશમાં સ્વચ્છતાના માપદંડોમાં પહેલા ક્રમે બિરાજમાન થઈ ચુક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર થતાં જ સુરત મહાનગર પાલિકા સહિત શહેરીજનોનો ઉત્સાહ પણ સાતમા આસમાને પહોંચ્યો હતો.

પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં અને તેમની પ્રેરણાથી રાજ્યમાં ‘નિર્મળ ગુજરાત’ સ્વચ્છતા અભિયાન ખૂબ ઊર્જાપૂર્વક આગળ વધી રહ્યું છે. સુરતવાસીઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારતના આહવાનને ઝીલી લઈને સ્વચ્છતાના મામલે અગ્રેસર રહીને રાજ્યને વિશેષ ગૌરવ અપાવ્યું છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં છેલ્લા ત્રણ વર્ષથી બીજા નંબરથી સંતોષ માણી રહેલા સુરત મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે પહેલો નંબર મેળવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી. અલગ – અલગ માપદંડોમાં સર્વોત્તમ પરિણામો મેળવવા માટે કટિબદ્ધ સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્રના પ્રયાસો અંતે સાર્થક નિવડ્યા છે. આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાને ઈન્દૌર શહેરની સાથે સંયુક્ત રીતે પહેલા નંબરનું સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.

આ અવસરે મેયર દક્ષેશ માવાણીએ સુરત મહાનગર પાલિકાના તમામ નાના કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પ્રયાસોને બિરદાવવાની સાથે સાથે શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સ્વચ્છતા મુદ્દે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવાની સાથે સખ્ત પગલાં ભરવાને કારણે જ આ સફળતા સાંપડી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર મેળવવા માટે રીતસર રાત – દિવસના ઉજાગરાં કરવામાં આવ્યા હતા. ફિડબેકથી માંડીને ફિલ્ડ સુધીના તમામ સ્તરો પર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવી ન્હોતી. સમગ્ર દેશમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાયકલથી માંડીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં 7 સ્ટાર રેટિંગ મેળવનાર સુરત મહાનગર પાલિકા વોટર પ્લસ સિટી તરીકે પણ પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યું છે.

ત્રીજા નંબરેથી પહેલા નંબરે પહોંચતા સાત વર્ષ લાગ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં શહેરો વચ્ચે સ્વચ્છતા મુદ્દે હકારાત્મક પ્રતિસ્પર્ધાનો માહોલ જોવા મળે તે માટે સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સને 2017માં પહેલી વખત જાહેર કરવામાં આવેલા પરિણામોમાં ઈન્દૌર પહેલા નંબરે રહ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી ઈન્દૌર સમગ્ર દેશમાં પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું છે. જ્યારે સુરત મહાનગર પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં ત્રીજા નંબરથી બીજા નંબર અને આ વર્ષે જાહેર થયેલા પરિણામોમાં પહેલો નંબર મેળવવામાં સફળ રહ્યું છે.

શહેરીજનોને અભિનંદન પાઠવતાં સીઆર પાટીલ
નવસારીનાં સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આજરોજ નવી દિલ્હી ખાતે સુરત મહાનગર પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો રેન્ક જાહેર થતાં શહેરીજનોને પણ આ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્રના ભગીરથ પ્રયાસો અને સુરતી લાલાઓના સહયોગને પગલે જ સુરત સમગ્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં હવે સ્વચ્છતાના તમામ માપદંડો પર શિરમૌર સાબિત થયું છે. તેઓએ સ્વચ્છતા અભિયાનથી માંડીને સફાઈ કામદારોની રાત – દિવસની જહેમતને પણ વધાવી લીધા હતા.

પાલિકાના આઈસીસીસીસી ખાતે લાઈવ પ્રસારણ
નવી દિલ્હીના ભરત મંડપમ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા આજરોજ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉધના – મગદલ્લા રોડ ખાતે આવેલ સુરત મહાનગર પાલિકાના આઈસીસીસીસી ખાતે સ્વચ્છતા સર્વેક્ષણનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

જેમાં સફાઈ કામદારો સહિત આરોગ્ય વિભાગ સહિતના વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ જાહેર થતાંની સાથે જ આઈસીસીસીસીમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ તાળીઓના ગડગડાટથી પરિણામને વધાવી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.