Western Times News

Gujarati News

વાળીનાથ મહાદેવ,તરભના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલી શિવયાત્રાના સમાપનનો કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાળીનાથ મહાદેવની શિવયાત્રા સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા-રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની પુનઃસ્થાપનાનો યુગ શરૂ થયો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાળીનાથ મહાદેવના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલી શિવયાત્રાના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા શિવધામ શ્રી વાળીનાથ અખાડા-તરભ ખાતે યોજાનાર ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાતભરમાં પરિભ્રમણ કરી રહેલી શિવયાત્રાના સમાપનનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રબારી સમાજના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી પવિત્ર શિવલિંગની પૂજા અને અભિષેકમાં સહભાગી થયા હતા.

વાળીનાથ મહાદેવની શિવયાત્રા સમાપન સમારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની પુનઃસ્થાપનાનો યુગ શરૂ થયો છે. દેશભરમાં આવેલા  આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન તીર્થસ્થાનો આધુનિકતાની સાથે ભવ્ય અને દિવ્ય થઈ રહ્યા છે.

કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામનું પુનઃનિર્માણ, ઉજ્જૈનમાં મહાકાલ લોકનું નિર્માણ તેનાં ઉદાહરણ છે. સાથે જ, બાબા બૈજનાથ જ્યોતિર્લિંગ કોરિડોર, પુરીનું જગન્નાથ મંદિર, દક્ષિણમાં રામેશ્વર ખાતે રામસેતુ સહિતના તીર્થસ્થાનોમાં વિકાસકાર્યો ચાલી રહ્યાં છે. રાજ્યમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે તથા બેટ દ્વારકામાં સિગ્નેચર કેબલ બ્રીજનું કામ પણ પૂર્ણતાના આરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રબારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા તરભ વાળીનાથ મંદિર ખાતે દિવ્ય શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ શિવલિંગની સ્થાપના પહેલા ચાર ધામ અને દેશના તમામ જ્યોતિર્લિંગમાં તેની પૂજા અર્ચના કરવામાં આવી છે. આમ, આ શિવલિંગમાં દેશના તમામ પવિત્ર તીર્થસ્થાનોની ઊર્જા સમાયેલી છે, એમ તેમણે ઉમેર્યું હતુ.

અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, અયોધ્યામાં  આગામી 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. વર્ષોના સંઘર્ષ, ત્યાગ, તપસ્યા બાદ ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું આપણા સૌનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આપણા વડાપ્રધાનશ્રીએ સૌને આ દિવસને દિવાળીની જેમ ઊજવવા આહવાન કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાળીનાથ મહાદેવની શિવયાત્રાના સમાપન પ્રસંગે વાળીનાથ મહાદેવના મહંત શ્રી જયરામગિરિ બાપુ, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ અને અમિતભાઈ ઠાકર, પૂર્વ પંચાયત મંત્રી શ્રી રણછોડભાઈ દેસાઈ, સામાજિક અગ્રણીઓ, ગુરુઓ-મહંતો સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.