AMC સંચાલીત સ્કુલોમાં નવી ટર્મથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કોમન યુનિફોર્મ રહેશે
મ્યુનિ.સ્કુલ બોર્ડનું નવા નાણાંકિય વર્ષ માટે રૂ.૧૦૯૪ કરોડનું ડ્રાફટ બજેટ શાસનાધિકારી દ્વારા રજુ કરાયું
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ માટે નાણાંકિય વર્ષ ર૦ર૪-રપનું રૂ.૧૦૯૪ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર શાસનાધિકારી ડો. લબ્ધીર દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા ડ્રાફટ બજેટમાં નવા નાણાંકિય વર્ષમાં કન્યા કેળવણીને ઉતેજન, કોમન યુનિફોર્મ, અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા તેમજ નવી શાળાઓ બનાવવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિ. સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો. લબ્ધીર દેસાઈએ ડ્રાફટ બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે સ્કુલ બોર્ડ દ્વારા ર૦ર૩-ર૪ના વર્ષ માટે વિદ્યાર્થીઓ અને શાળાલક્ષી કાર્યો નકકી કરવામાં આવ્યા હતા તે મહંદઅંશે સિદ્ધ થઈ ગયા છે. સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત સમાવવામાં આવેલ શાળાઓ અને બાકી શાળાઓ મળી ૧૦૦ટકા શાળાઓ અપેક્ષિત લક્ષ્યાંકો સુધી પહોંચે તે માટે સ્કુલ બોર્ડ કટીબધ્ધ છે
નવા નાણાંકીય વર્ષથી સ્કુલ બોર્ડમાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ માટે કોમન યુનિફોર્મ રહેશે જેના માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રમત ગમતને વધુ પ્રોત્સાહન આપી રહયા છે તેનાથી પ્રેરણા લઈ વિદ્યાર્થીઓ માટે રૂ.પ૦ લાખના ખર્ચથી સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા નવા નાણાંકીય વર્ષમાં રૂ.૪ કરોડનો ખર્ચ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા માટે કરવામાં આવશે. વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ખાનગી શાળા અને મ્યુનિ. શાળા વચ્ચે વિવિધ સ્પર્ધા કરવામાં આવશે.
શાળાઓમાં બ્લેક, ગ્રીન અને સ્માર્ટ બોર્ડ માટે રૂ.૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કન્યા કેળવણીને ઉતેજન આપવા માટે રૂ.રર કરોડ, શાળાઓના નવીનિકરણ અને માળખાકિય સુવિધાઓ માટે રૂ.૬ કરોડ ખર્ચ કરવામાં આવશે તેમજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓને વધુ શિક્ષણની તક અને પ્રોત્સાહન મળે તે માટે પ૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિ. સ્કુલ બોર્ડના ડ્રાફટ બજેટમાં ૮૬.પપ ટકા એટલે કે રૂ.૯૪૭ કરોડ જેટલી રકમ પગાર-પેન્શન પાછળ ખર્ચ થશે જયારે વિદ્યાર્થી વિકાસ અને શિક્ષણને લગતી પ્રવૃતિઓ પાછળ રૂ.૬૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. શાળા અને માળખાકિય સુવિધાઓ માટે રૂ.૮૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. ર૦ર૩-ર૪ ના બજેટમાં કુલ એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ ૮૮.૪૧ ટકા હતો તે ઘટાડી ૮૬.પપ ટકા કરવામાં આવ્યો છે જયારે શૈક્ષણિક પ્રવૃતિઓ માટે ૬.૦૭ ટકાની જોગવાઈ કરવામાં આવી હતી જેમાં વધારો કરી ૬.૧૪ ટકા કરવામાં આવી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.