અંબાજી ખાતે અંબિકા ભોજનાલયથી નિઃશુલ્ક ભોજન પ્રસાદનો શુભારંભ
માત્ર ૫૧ રૂ. નું દાન આપી કોઇ પણ વ્યક્તિ એક થાળી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લઇ શકે છે. જે ખરેખર પ્રશંસનીય પહેલ છે- મંત્રી બલવંત સિંહ રાજપૂત
(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જીલ્લાના પ્રભારીમંત્રીશ્રી અને ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે નિઃશુલ્ક અંબિકા અન્નક્ષેત્રનો બલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો.
અંબિકા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે. તેમણે કહ્યું કે યાત્રાધામ અંબાજી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને મા આંબાના આશીર્વાદ સમગ્ર ભારત પર વરસી રહ્યા છે ત્યારે વિવિધ દાતાઓ દ્વારા આ ભોજનાલયમાં અંબાજી આવતા યાત્રાળુઓને વિના મૂલ્યે ભોજન ઉપલબ્ધ કરવામાં આવશે. વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ અન્નક્ષેત્રની એ ખાસિયત છે કે અહીં વ્યક્તિ એક થાળી, એક ટંક કે એક દિવસના દાતા થઈને સામાન્ય માણસ પણ પોતાની સેવા આપી શકે છે. જે ખૂબ પ્રસંશનીય બાબત છે.
અંબિકા અન્નક્ષેત્ર ખાતે મંત્રીશ્રીએ પ્રથમ દિવસના ભોજનના દાતા બની બાલિકાઓ અને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસીને આ સેવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી, કલેકટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીએ બાલિકાઓને તથા બટુકોને ભોજન પીરસી એમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા, જય જલિયાણ ગ્રુપના શ્રી હિતેશભાઈ ઠક્કર, સંગઠનના અગ્રણીશ્રીઓ અને માઈભક્તો જોડાયા હતા.