Western Times News

Gujarati News

સાબરકાંઠામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે 100 થી વધુ નવજાત બાળકોનો જન્મ થયો

મહિલાઓએ સિઝેરીયન કરાવીને રામ મહોત્સવના દિવસને યાદગાર બનાવ્યો

હિંમતનગર, અયોધ્યા ખાતે સોમવારે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગમાં સમગ્ર ભારતમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે રામજન્મોત્સવના દિવસને યાદગાર બનાવવા માટે સાબરકાંઠા જિલ્લામાં ૧૦૦થી વધુ મહિલાઓએ બાળકને જન્મ આપી સાચા અર્થમાં રામ જન્મોત્સવ મનાવ્યો હતો. મહિલાઓએ તબીબો સાથે અગાઉ વાતચીત કરી અને સિઝેરીયન કરાવીને બાળકને જન્મ આપતા પરિવારજનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે.

અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રસૂતિ મહિલાઓએ પોતાના બાળકોને જન્મ આપવા માટે ખુબજ ખુશી અનુભવી હતી. રરમી જાન્યુઆરીને યાદગાર પ્રસંગ તરીકે સમગ્ર વિશ્વ અને ભારતમાં ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગરની ગાયનેક હોસ્પિટલોમાં મહિલાઓએ બાળકને જન્મ આપતા પરિવારજનોએ રામ જન્મોત્સવ જેટલી ખુશી મનાવી હતી.

આ અંગે એક વાતચીતમાં ઉમા હોસ્પિટલના ડો. પ્રકાશ જોષીએ જણાવ્યુ હતુ કે રામ મહોત્સવના દિવસને યાદગાર બનાવવા માટે મહિલાઓએ સિઝેરીયન કરીને બાળકને જન્મ આપવા માટે સહમતી દર્શાવી હતી. ઈડર તાલુકાના દાવડ ગામના દક્ષાબા વનરાજસિંહ ચૌહાણ અને હિંમતનગરના કોમલબા દિવ્યરાજસિંહ પરમારે રરમી તારીખ એટલે કે રામ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે બાળકને જન્મ આપ્યો છે.

માતા અને બાળક બંને તંદુરસ્ત હોવાથી પરિવારજનોમાં ખુશી જોવા મળી છે. આ ઉપરાંત તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડો. જતીન પટેલે જણાવ્યું હતું કે વાઘપુર ગામના સુરજબા ક્રિપાલસિંહ રાઠોડને હોસ્પિટલમાં લવાયા હતા. જયાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળકની તબીયત સારી છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના દિવસે બાળકનો જન્મ થતા જાણે કે ભગવાન રામનો જન્મ થયો હોય તેમ પરિવારજનોએ ખુશી સાથે એકબીજાને અભિનંદન આપી ઉજવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.