માલદીવે ચીનના ‘સંશોધન જહાજ’ને દરિયાઈ સરહદમાં પ્રવેશવા મંજૂરી આપી
માલી, માલદીવ સરકારે ચીનના ‘સંશોધન જહાજ’ જિયાંગ યાંગ હોંગ ૦૩ને માલદીવની દરિયાઈ સરહદ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. માલદીવ સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ચીનનું આ જહાજ માલદીવના પાણીમાં કોઈ સંશોધન નહીં કરે. તેમજ જહાજના પરિભ્રમણ માટે ચીનની સરકારે અગાઉથી જ મંજૂરી માંગી હતી.
જાે કે ખાસ બાબત એ છે કે જિઆંગ યાંગ હોંગ ૦૩, જે લશ્કરી હેતુઓ માટે હિંદ મહાસાગરના તળને મેપ કરતા જાસૂસી જહાજ તરીકે ઓળખવામાં આવે છે.
આ જહાજ આવતા મહિનાની શરૂઆતમાં રાજધાની માલે પહોંચશે. માલદીવ સરકારના નિવેદન અનુસાર માલદીવ હંમેશા મિત્ર દેશોના જહાજાે માટે આવકાર દાયક સ્થળ રહ્યું છે. તેમજ મૈત્રીપૂર્ણ દેશોના જહાજાેનું સ્વાગત છે. આ નિવેદનને ભારત પર સીધા હુમલા તરીકે જાેવામાં આવી રહ્યું છે.
૪,૩૦૦ ટનના જિયાંગ યાંગ હોંગ ૦૩ને હિંદ મહાસાગરના તળિયે મેપિંગ કરતા સંશોધન જહાજ તરીકે ઓળખવામાં આવે છે. તેના સંશોધન દ્વારા પાણીની અંદરના ધરતીકંપ જેવી કુદરતી આફતોની આગાહી કરવામાં મદદ મળી શકે છે.
માલદીવે ચીનના જહાજને એવા સમયે દેશની મુલાકાત લેવાની મંજૂરી આપી છે જ્યારે માલદીવના ત્રણ પ્રધાનો દ્વારા આ મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી ટીકાત્મક ટિપ્પણીઓને લઈને માલે અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો અસ્થિર છે.
નોંધનીય છે કે માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદથી મોહમ્મદ મુઈઝ દ્વારા લેવામાં આવેલા તમામ પગલા ભારત વિરુદ્ધ રહ્યા છે. માલદીવના વડા બનતા પહેલા તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય સેનાની ટીકા કરી હતી તેમજ કહ્યું હતું કે જાે તેઓ જીતશે તો ભારતીય સેનાને દેશમાંથી હાંકી કાઢશે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ એવું જ કર્યું હતું. મુઈઝુ સરકારે ભારતને તેની સેના પાછી ખેંચવા માટે ૧૫ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. એટલુંજ નહીં માલદીવની પરંપરા તોડીને માલદીવના રાષ્ટ્રપતિએ ભારત જવાને બદલે ચીનની મુલાકાત લીધી હતી. આ મહિને મુઇઝુ શી જિનપિંગને મળ્યા આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત પણ હતી. આ વખતે ચીન માલદીવની મદદથી ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. SS2SS