ગણતંત્ર દિવસની પરેડમાં સંસ્કૃતિ મંત્રાલયની ઝાંખીને પ્રથમ ઈનામ મળ્યું
દેશના ૭૫માં ગણતંત્ર દિવસે૨૫ ઝાંખીઓ રજૂ કરાઈ હતી
આ પરેડમાં સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લોની થીમ ભારતઃ લોકશાહીની જનની હતી
નવી દિલ્હી, આ વર્ષે દેશે ૭૫મો ગણતંત્ર દિવસ ઉજવ્યો છે. જેમાં ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પથ પર ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હતા. ગણતંત્ર દિવસની પરેડમાં ભારતના રાજ્યોએ તેમજ વિવિધ મંત્રાલયો અને વિભાગોએ તેમની ઝાંકી રજૂ કરી હતી. જેમાંથી સંસ્કૃતિ મંત્રાલયની ઝાંકીને પ્રથમ ઈનામ મળ્યું છે. જેની માહિતી સાંસ્કૃતિક મંત્રાલયે આપી હતી.
૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ૯ મંત્રાલયો અને વિભાગોની એમ કુલ ૨૫ મનમોહક ઝાંખીઓ સાથેની પરેડમાં, શિક્ષણ અને સશક્તિકરણથી લઈને પરંપરાગત કળા અને રમતગમતની સિદ્ધિઓ સુધીના વિષયો પર ઝાંકીઓની ઝલક આપવામાં આવી હતી.
જેમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, લદ્દાખ, તમિલનાડુ, ગુજરાત, મેઘાલય, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મણિપુર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા જેવા રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો), સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઈઆર), ભારતના ચૂંટણી પંચ અને કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ (સીપીડબલ્યુડી) જેવા ૯ મંત્રાલયો અને વિભાગોએ પણ ઝાંકી રજૂ કરી હતી.
આ પરેડમાં સાંસ્કૃતિક મંત્રાલયના ટેબ્લોની થીમ ‘ભારતઃ લોકશાહીની જનની’ હતી. આ ટેબ્લો બાબતે સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઝાંકી નવીનતા અને પરંપરાનું મિશ્રણ હતું.
તેમજ ભારતના સાંસ્કૃતિક વારસાને લોકશાહીની જનની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બાબત દર્શાવવા માટે ટેબ્લોમાં એનામોર્ફિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંસ્કૃતિ મંત્રાલયની આ ઝાંકીનો મુખ્ય ઉદ્દેશ ભારતના સાંસ્કૃતિક વારસાને દેખાડવાનો હતો.
જેમાં દેશને ‘લોકશાહીની જનની’ બતાવવામાં આવ્યો હતો. જયારે ઓડિશાની ઝાંકીને જજીઝ ચોઈસની કેટેગરીમાં શ્રેષ્ઠ રાજ્યની ઝાંકી તરીકે ઘોષિત કરવામાં આવી. તેમજ સતત બીજા વર્ષે ગુજરાતના ટેબ્લોને પિપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ અને જજીઝ ચોઈસ કેટેગરીમાં બીજું સ્થાન મળ્યું હતું. ગુજરાત ટેબ્લોની થીમ ‘ધોરડો- અ ગ્લોબલ આઇકોન ઓફ ગુજરાત બોર્ડર ટુરિઝમ’ હતી. SS2SS