ગઠીયાઓએ કારનો કાચ તોડી પૈસા ભરેલી બેગ ચોરી
અમદાવાદ, શહેરના ઓઢવ વિસ્તાર નજીક આવેલી છોટાલાલની ચાલી પાસે ગઇકાલે કારના કાચ તોડીને ગઠીયાઓએ ૨.૭૦ લાખ રૂપિયા રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વેપારી તેમના વેવાઇને લઇને આંગડીયા પેઢીમાં રૂપિયા લેવા માટે ગયા હતા.
રૂપિયા લઇને પરત આવ્યા હતા ત્યારે વેપારી નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરીને પરત આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને તેમાંથી રૂપિયા ભરેલી બેગ ગાયબ હતી. નિકોલ વિસ્તારમાં આવેલા શ્યામવીલામાં રહેતા હરીશ પુરોહિતે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.
હરીશ પુરોહિત બાકરોલ પાસે આવેલા ગોપાલ ચરણ એસ્ટેટમાં ગ્લોબલ માર્કેટીંગ નામની ઓફિસ ધરાવીને વેપાર ધંધો કરે છે. ગઇકાલે હરીશ પુરોહિત તેમના વેવાઇ અર્જુનભાઇ પુરોહિતની ક્રેટા કાર લઇને બાપુનગરમાં પેમેન્ટ લેવા માટે ગયા હતા.
બાપુનગર વિસ્તારમાં આવેલી ખોડીયાર ચેમ્બરમાં રાજેશ મગન આંગડીયામાંથી હરીશ પુરોહિતે ૨.૭૦ લાખ રૂપિયા લીધા હતા અને બેગમાં મુકીને ડ્રાઇવર સીટની પાછળ મુક્યા હતા. રૂપિયા લીધા બાદ હરીશ પુરોહિત વેવાઇ અર્જુનભાઇ સાથે છોટાલાલની ચાલી પાસે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા હતા. કાર પાર્ક કરીને બન્ને નાસ્તો કરવા માટે ગયા હતા ત્યારે ૨.૭૦ લાખ રૂપિયાની ચોરી થઇ છે.
બન્ને નાસ્તો કરીને પરત આવ્યા ત્યારે ડ્રાઇવર સીટની પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો. હરીશ પુરોહિતે કારનો દરવાજો ખોલીને જોતા તેમાં રૂપિયા ભરેલી બેગ ગાયબ હતી. બેગ ગાયબ થતાં જ હરીશ પુરોહિતે તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કરી દીધો હતો. ઘટનાની જાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.SS1MS