Western Times News

Gujarati News

મોડાસા RTO કચેરીનો ફોલ્ડરીયો લાંચ લેતા ઝડપાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓને લાંચ લેતા એસીબી સતત ઝડપી પાડી જેલ પાછળ ધકેલી રહી છે

અરવલ્લી મોડાસા શહેરના જીલ્લા સેવાસદન સામે આવેલ એઆરટીઓ કચેરીમાં એજન્ટના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો ધરમ ધક્કા ખાઈ રહ્યા હોવાની સાથે ભ્રષ્ટાચારના દલદલમાં એ.આર.ટી.ઓ કચેરી ફસાઈ હોવાની બૂમ સતત ઉઠતી રહી છે ત્યારે વાહનના ફિટનેસ સર્ટિફિકેટ માટે ૬.૫ હજાર રૂપિયાની લાંચ લેતા આરટીઓ એજન્ટને ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી ઝડપી લેતા એસીબીની સફળ ટ્રેપથી આરટીઓ કચેરીમાં સન્નાટો ફેલાયો હતો

મોડાસા એઆરટીઓ કચેરીમાં વાહન માલિકને ૧૨ ટાયર વાળા ટ્રકનું ફિટનેશ કરાવવાનું હોવાથી તજવીજ હાથધરતા આરટીઓ એજન્ટ ઇમરાનહુસેન ઉર્ફે ભૂરો મહંમદહુસેન ટીંટોઇયાએ ટ્રકનું ફિટનેશ કરાવી આપવાની જવાબદારી લઇ ટ્રક માલિક પાસેથી ટ્રકના ફિટનેશ સર્ટિફિકેટ માટે ૧૦ હજાર રૂપિયાની લાંચ માંગતા ટ્રક માલિક સમસમી ઉઠ્‌યો હતો

અને લાંચીયા એજન્ટને સબક શીખવાડવા એસીબીનો સંપર્ક કર્યો હતો ગાંધીનગર એસીબીની ટીમે ગુરુવારે બપોરના સુમારે લાંચનું છટકું ગોઠવી ટ્રક માલિકને આરટીઓ એજન્ટ ઇમરાનહુસેન ઉર્ફે ભૂરો મહંમદહુસેન ટીંટોઇયાને ટ્રકના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ.૬૫૦૦/-આપવાની તૈયારી બતાવતા એજન્ટે ફરિયાદીને કોલીખડ નજીક ચાલતા ફિટનેશ કેમ્પ પર આવી જવા જણાવ્યુ હતું

ગાંધીનગર એસીબી પીઆઇ શ્રીમતિ ટી.એમ.પટેલ અને તેમની ટીમે કોલીખડ ગામ નજીક ફિટનેશ કેમ્પ નજીક આરટીઓ એજન્ટ જાળમાં ફસાઈ જતા રંગે હાથે ઝડપી પાડવા તાબડતોડ ફિટનેશ કેમ્પ નજીક વોચ ગોઠવી એજન્ટ ઇમરાનહુસેન ઉર્ફે ભૂરો મહંમદહુસેન ટીંટોઇયાને ફરિયાદી પાસેથી રૂ.૬૫૦૦/- લેતા દબોચી લેતા એસીબી ટ્રેપની જાણ થતા એજન્ટ ઠંડીમાં પાણી પાણી થઇ ગયો હતો

ગાંધીનગર એસીબીની સફળ ટ્રેપની જાણ થતા એઆરટીઓ કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો લાંચિયા એજન્ટને ઝડપી પાડી ફિટનેશ સર્ટિફિકેટની લાંચમાં એઆરટીઓ કચેરીના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે નહીં તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.