નવા નાણાંકિય વર્ષ માટે રૂ. ૧૨૨૬૨.૮૩ કરોડનું અમદાવાદનું બજેટ મંજૂર
એલીસબ્રિજ, થલતેજ, સાબરમતી, સપ્તઋષી, ઈસનપુર, વટવા, નારોલ, બોપલ સહિતના સ્મશાનગૃહ આધુનિકરણ કરવા માટે રૂ.૧પ કરોડની જોગવાઈ
શહેરમાં ફૂડની એક અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીજવસ્તુઓ ઉપરાંત હવે ફળ અને શાકભાજીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે.
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીએ રૂ. ૧૪૬૧.૮૩ કરોડનો વધારો?. ૧૨૨૬૨.૮૩ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ સત્તાધીશોએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ખોટા વાયદા-વચનોથી દૂર રહી સરળ બજેટ રજૂ કર્યું છે.મ્યુનિસિપલ ભાજપ ઘ્વારા ગ્રીન અને પ્રદુષણ મુક્ત અમદાવાદની કલ્પનાને સાકાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરને સ્વચ્છ, પોલ્યુશન મુક્ત, આરોગ્યપ્રદ અને ટેકનોલોજીયુક્ત બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં રૂપિયા ૧૪૬૧ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
શહેરમાં ફૂડની એક અદ્યતન લેબોરેટરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચીજવસ્તુઓ ઉપરાંત હવે ફળ અને શાકભાજીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. જો કેમિકલયુક્ત કોઈ પણ હશે તો તેની તરત માહિતી મળી રહેશે. શહેરમાં રોડ-રસ્તા, ગાર્ડન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કાંકરિયા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યા છે
. તે જ પદ્ધતિથી અન્ય પાંચ વિસ્તારમાં પણ પાર્ક બનાવવામાં આવશે.જેમાં લાંભા, ઓઢવ, બોપલ-ઘુમા, ચાંદખેડા અને ગોતા નો સમાવેશ કરવામાં આવ્યો છે.મીઠાખળી ખાતે બે ટાવરના એક અર્બન હાઉસ આમાં આવશે. એક જ જગ્યાએ પ્લાન પાસથી લઈ તમામ પ્રક્રિયા થઈ શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ બનાવવાના ભાગરૂપે વિવિધ પ્રકારની એપ્લિકેશનને વિકસાવવામાં આવશે.
બીયુ પરમિશન અને પ્લાન પાસિંગ માટેની એપ્લિકેશન વગેરે પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવશે. જેથી નાગરિકોને સરળતા રહેશે. શહેરમાં સીસીટીવી નેટવર્કને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. થર્ડ આઈ પ્રોજેક્ટ તરીકે નવા અદ્યતન સીસીટીવી કેમેરા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ ૧૦ ટકા રિબેટ આપવામાં આવતું હતું.
જેમાં હવે ૧૨ ટકા રિબેટ આપવામાં આવશે. જે નાગરિકો એડવાન્સ ઓનલાઈન ટેક્સ ચૂકવશે તેમાં એક ટકા ઓનલાઇન એમ ૧૩ ટકા રીબેટ આપવામાં આવશે. જે ટેક્સ ધારકે સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવે તેને વધુ બે ટકા અને ઓનલાઈન ૧ ટકા આમ કુલ ૧૫ ટકા રીબેટ આપવામાં આવશે. એપ્રિલ મહિનાથી વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે એડવાન્સ ટેક્સની સ્કીમ મૂકવામાં આવશે.
મ્યુનિ. સત્તાધીશોએ મંજુર કરેલા બજેટમાં એલીસબ્રિજ, થલતેજ, સાબરમતી, સપ્તઋષી, ઈસનપુર, વટવા, નારોલ, બોપલ સહિતના સ્મશાનગૃહ આધુનિકરણ કરવા માટે રૂ.૧પ કરોડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત રૂ.૧ કરોડના ખર્ચથી બે ઓપન શબ વાહિની ખરીદ કરવા માટે પણ ખાસ ફાળવણી કરી છે. શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ વધુ સઘન બને તે માટે ખાસ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ જે વોર્ડમાં સારી સફાઈ થશે તે વોર્ડને રૂ.૧ કરોડની વધારે ગ્રાંટ આપવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટીએ પ્રથમ વખત તળાવ તથા બગીચાઓની આસપાસ આવેલ ફુટપાથને પરમેબલ પેવરથી બનાવવા જાહેરાત કરી છે. જેના કારણે તળાવની આજુબાજુના વિસ્તારોનું પાણી પરમેબલ પેવરથી તળાવમાં આવી શકશે જેના માટે રૂ.૧પ કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરમાં વાયુ પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે તથા લોકજાગૃતિ લાવવા માટે પ૦૦ નંગ એરમોનીટરીંગ સેન્સર મશીન ખરીદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.