હરદા ફટાકડા ફેક્ટરીના માલિક સહિત ત્રણની ધરપકડ
નવી દિલ્હી, મધ્યપ્રદેશના હરદામાં મંગળવારે સવારે થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે ગેરકાયદેસર ફટાકડાના કારખાનાના માલિક રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બંને કારખાનાના માલિકો પોલીસથી બચવા માટે હરદા છોડીને નેશનલ હાઈવે પરથી ભાગી રહ્યા હતા, તે દરમિયાન રાજગઢ જિલ્લાના સારંગપુર નજીક હાઈવે પરથી પોલીસે તેમને પકડી લીધા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રીજા આરોપીનું નામ રફીક ખાન છે. નોંધનીય છે કે આ મામલામાં હરદાના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જેમની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
હરદાના મગરધા રોડ પર બનેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે થયેલા બ્લાસ્ટના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે કારખાનેદાર રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બ્લાસ્ટ કેસમાં પોલીસે શહેરના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ એક્સપ્લોઝિવ એક્ટ અને આઈપીસીની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
આ દરમિયાન પોલીસને માહિતી મળી કે આરોપીઓ ઉજ્જૈનના રસ્તે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે પોલીસ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને જોડતા નેશનલ હાઈવે દ્વારા આરોપીઓનું લોકેશન મેળવી રહી હતી. ત્યારબાદ પોલીસની ટીમે ઉજ્જૈન નજીક મક્સીમાં દરોડો પાડ્યો પરંતુ બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, તેમનો પીછો કરતા પોલીસ ટીમે રાજગઢ જિલ્લાના સારંગપુર નજીક હાઇવે પર કારખાનાના બંને માલિકોને પકડી લીધા હતા.
દરમિયાન, આ મામલામાં હરદા જિલ્લાના એસપી મનીષ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે વિસ્ફોટ સાથે સંબંધિત કેસમાં આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમાં ફેક્ટરી માલિકો રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ મામલે શહેરના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હરદામાં ગેરકાયદેસર ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટને કારણે ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા હતા. હરદાના લોકોએ આ ફેક્ટરીમાં ગનપાઉડરનો ગેરકાયદેસર સંગ્રહ અને સલામતીના ધોરણો પૂરા ન કરવા અંગે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી.
લોકોના વધતા દબાણને કારણે જિલ્લા પ્રશાસને ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ આ ફેક્ટરીને સીલ કરી દીધી હતી. ઋષિ ગર્ગ કલેક્ટર હતા. આ આદેશ સામે ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલે કમિશનર માલસિંહ બહેડિયાને અપીલ કરી હતી. આ પછી તેને સ્ટે મળ્યો હતો.
ઘટના બાદ તરત જ મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવાના આદેશ આપ્યો હતો. મધ્યપ્રદેશ સરકારે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. ગૃહ બાબતોના મુખ્ય સચિવ સંજય દુબેની અધ્યક્ષતાવાળી સમિતિ ઘટનાની તપાસ કરશે. આઇપીએસ જયદીપ પ્રસાદ અને જાહેર બાંધકામ વિભાગના અધિકારી આરકે મહેરાને સભ્ય બનાવવામાં આવ્યા છે.SS1MS