Western Times News

Gujarati News

ગુજરાતમાં અતિ ઓછા વજનવાળા ૧.૧૮ લાખ કુપોષિત બાળકો હોવાની સરકારે માહિતી આપી

રાજ્યના ૨૯ જિલ્લામાં પાંચ લાખથી વધુ બાળકો કુપોષિત

(એજન્સી)ગાંધીનગર, વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના પાંચ લાખ ૨૮ હજાર ૬૫૩ બાળકો કુપોષિત છે, જેમાં દાહોદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો નોંધાયા છે. ચાર જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરુ થયુ છે. ત્યારે આજે ગૃહમાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો.

જેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. આ રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના ૫ લાખ ૨૮ હજાર ૬૫૩ બાળકો કુપોષિત છે. જેમાંથી અતિ ઓછા વજનવાળા એક લાખ ૧૮ હજાર ૧૦૪ કુપોષિત બાળકો છે. રાજ્યમાં સૌથી વધુ ૫૧ હજાર ૩૨૧ કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે

જ્યારે નવસારીમાં ૧૫૪૮ કુપોષિત બાળકો નોંધાયા છે જે રાજ્યમાં સૌથી ઓછા નોંધાયા છે. રાજ્યના ચાર જિલ્લામાં કુપોષણના ૧૬૦૬૯ બાળકો વધ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં ૩૫૧૬ કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ કરાયેલા આંકડાઓમાં ૨૯ જિલ્લામાંથી ૨૪ જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે, જેમાં રાજ્યમાં ૯૭ હજાર ૮૪૦ બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ વિધાનસભા ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.