આમ આદમી પાર્ટીએ હાઈકોર્ટની જમીન પર કબજો કરી લીધો?
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે જણાવવામાં આવ્યું કે રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર એક રાજકીય પક્ષ દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે તેને ગંભીરતાથી લેતા કહ્યું કે કોઈ રાજકીય પક્ષ હાઈકોર્ટ માટે ફાળવવામાં આવેલી જમીન પર કબજો કેવી રીતે કરી શકે. અત્રે જણાવવાનું કે આમ આદમી પાર્ટી દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉજ એવન્યૂ પ્લોટ પર પોતાની ઓફિસ ચલાવે છે.
આ બંગલો દિલ્હીના પરિવહન મંત્રીનું આવાસ હતું પરંતુ ત્યારબાદ પાર્ટીએ તેને પોતાના કબજામાં લઈ લીધો. આ જમીનને ખાલી કરાવવાની દિલ્હી સરકારની અસમર્થતા પર આપત્તિ જતાવતા સુપ્રીમ કોર્ટે મંગળવારે તેને જલદી ખાલી કરાવવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે કોઈને પણ કાનૂનનો ભંગ ક રવાની પરવાનગી આપવી જોઈએ નહીં.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચને દિલ્હી હાઈકોર્ટ માટે ફાળવેલી જમીન પર અતિક્રમણ થવાની જાણકારી એ સમય આપવામાં આવી જ્યારે દેશભરમાં ન્યાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મામલાઓ પર સુનાવણી ચાલુ હતી.
આ મામલે નિયુક્ત ન્યાય મિત્ર તથા વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરે બેન્ચને જણાવ્યું કે દિલ્હી હાઈકોર્ટના અધિકારી ફાળવેલી જમીન પર કબજો લેવા માટે ગયા હતા અને તેમને જમીન પર કબજો લેવાની મંજૂરી અપાઈ નહતી. તેમણે બેન્ચને એ પણ જણાવ્યું કે હવે તે જમીન પર એક રાજકીય પક્ષનું કાર્યાલય બની ગયું છે.
જો કે ન્યાય મિત્ર પરમેશ્વરે સ્પષ્ટ રીતેકોઈ રાજકીય પક્ષનો ઉલ્લેખ નથી કર્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓ આ મુદ્દાનું રાજનીતિકરણ ઈચ્છતા નથી. પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યું કે હાઈકોર્ટ જમીનનો કબજો પાછો મેળવવા માટે સક્ષમ નથી.
આ મામલે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વિધિ સચિવ ભરત પારાશરે બેન્ચને સૂચિત કર્યું કે રાજકીય પક્ષને ૨૦૧૬માં એક કેબિનેટ પ્રસ્તાવના માધ્યમથી જમીન ફાળવવામાં આવી હતી.
તેમણે કહ્યું કે હવે આ મામલાની જાણકારી ભૂમિ અને વિકાસ અધિકારી (એલ એન્ડ ડીઓ)ને આપવામાં આવી છે અને સંબંધિત રાજકીય પક્ષને બીજી જમીન ફાળવવાની પ્રક્રિયા ચાલુ છે. વિધિ સચિવે સુપ્રીમ કોર્ટને કહ્યું કે ૨૦૧૬ પહેલા આ એક બંગલો હતો જેમાં એક મંત્રી રહેતા હતા. બાદમાં રાજકીય પક્ષે તેને પોતાનું કાર્યાલય બનાવવાની સાથે જ કેટલુંક અસ્થાયી નિર્માણ પણ કર્યું છે.
તેના પર ચીફ જસ્ટિસે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે રાજકીય પક્ષ ન્યાયપાલિકા માટે ફાળવવામાં આવેલી જમીન કેવી રીતે લઈ શકે. તેમણે કહ્યું કે કોઈ પણ કાયદો પોતાના હાથમાં લઈ શકે નહીં. આ સાથે જ તેમણે સવાલ કર્યો કે કોઈ રાજકીય પક્ષ તેના પર કેવી રીતે ચૂપ રહી શકે.
બેન્ચે દિલ્હી સરકારના વકીલ વસીમ કાદરી અને એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમ બેનર્જીને એ વાતની ભાળ મેળવવાનું કહ્યું કે હાઈકોર્ટને જમીન પાછી કેવી રીતે મળશે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના મુખ્ય સચિવ, દિલ્હી લોક નિર્માણ વિભાગના સચિવ અને દિલ્હી સરકારના નાણાકીય સચિવને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સાથે બેઠક કરવા માટે જણાવ્યું. આ સાથે જ આગામી સુનાવણી પર સ્થિતિથી માહિતગાર કરવા કહ્યું. આ મામલે ગત સુનાવણી પર સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ન્યાયિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ મુદ્દે દિલ્હી સરકારને અનેક નિર્દેશ આપ્યા હતા.SS1MS