૪૦ લોકો પદયાત્રા કરી રહ્યા હતા અને ટ્રક ફરી વળીઃ 3 મહિલાઓના મોત
પાટણના હારીજ તાલુકાના દાંતરવાડા નજીક વરાણા દર્શન કરવા જઈ રહેલા યાત્રાળુને અકસ્માત નડ્યો જેમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજા પહોંચતા, સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અમદાવાદ, પાટણના હારીજમાં હારીજ-ચાણસ્મા હાઈવે ઉપર હિટ એન્ડ રનમાં ત્રણ પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પાંચ લોકો ગંભીરરીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાલા ગામથી પગપાળા જઈ રહેલો યાત્રિકોનો સંઘ વરાણા જઈ રહ્યો હતો. આ સંઘમાં ૪૦ લોકો પદયાત્રા કરી રહ્યા હતા. આ યાત્રા દરમિયાન ચાણસ્મા હાઈવે દાંતરવાડા પાસે યાત્રિકો પર ટ્રક ફરી વળતાં અરેરાટીભરી દુર્ઘટના સર્જાઈ છે.
અકસ્માતના પગલે હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ પદયાત્રી સંઘ ખોડિયાર માતાએ જઈ રહ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતાં સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહનચાલકને પકડવાનાં ચક્રો ગતિમાન થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બહુચરાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના અંબાલા ગામથી ઠાકોર પરિવારનો સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે મોડી રાતે હારીજ-ચાણસ્મા હાઈવે પરના દાંતરવાડા ગામ પાસે એક અજાણ્યો વાહનચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં એક કિશોરી અને બે મહિલાઓએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. પગપાળા સંઘને અજાણ્યા વાહનચાલકે મારેલી ટક્કર એટલી ભીષણહતી કે માતાજીનો રથ નજીકમાં આવેલી ઝાડીમાં પડી ગયો હતો.
હારીજ પોલીસ સ્ટેશનના પીએસઆઈડી.કે. ચૌધરીએ જણાવ્યું હતું કે બહુચરાજીના અંબાલા ગામેથી ૩૫થી ૪૦ જેટલા પદયાત્રીઓ વાસણઆના ખોડિયાર માતા મંદિરે રથ લઈને જતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા આઈશરચાલકે ટક્કર મારી હતી. આ સમયે ઘટનાસ્થળે ત્રણ લોકોના મૃત્યુ થયાં છે, મૃતકોના નામ પુજાબહેન જયરામજી (ઉ.વ.૨૦), રોશનીબહેન જગાજી (ઉ.વ.૧૬), અને શારદાબહેન કાદવજી (ઉ.વ.૬૨)નો સમાવેશ થાય છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત લોકોમાં મહેન્દ્ર ઠાકોર (ઉ.વ.૧૮), નીલેશભાઈ ઠાકોર (ઉ.વ.૧૩), સવિતાબહેન ઠાકોર (ઉ.વ.૪૫), સંદેશભાઈ ઠાકોર (ઉ.વ.૧૮) નો સમાવેશ થાય છે.