Western Times News

Gujarati News

ભાજપ પાસે 156 બેઠકો રાજ્યસભાની ચાર બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર

ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા-મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

ગાંધીનગર, ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સરપ્રાઈઝ આપ્યું છે. ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે તેના ઉમેદવારોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે,

જો કે ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે, રાજ્યભા માટે પસંદ કરેલા ચાર ઉમેદવારોએ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ધારાસભ્ય, નેતાઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતમાં ઉમેદવારી ફોર્મ ભરી દીધાં છે,

જો કે આ વખતે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી. તેમની બે ટર્મ થઈ ગઈ હોવાથી તેમને રાજ્યસભામાં ન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ૧૬ ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને ૨૦ ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યસભામાં આ ઉમેદવારોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દર વખતની જેમ આ વખતે પણ ભાજપે બધાંને ચોંકાવ્યાં છે. ઉમેદવારોના લિસ્ટનાં ચાર નામમાંથી બે નામ જે.પી. નડ્ડા અને સુરતના પાટીદાર અગ્રણી તથા જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા જાણીતા ચહેરા છે

પણ મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામથી લોકો એટલા પરિચિત નથી. ગુજરાત સહિત ૧૫ રાજ્યની ૫૬ રાજ્યસભા બેઠક પર ૨૭ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ રામ મંદિર નિર્માણમાં ૧૧ કરોડનું દાન કર્યું હતું. આ બ્રાહ્મણ, એક પાટીદાર અને બે ઓબીસી ઉમેદવાર ગુજરાત રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયકને પણ રાજ્યસભાની લોટરી લાગી છે, જ્યારે ચોથા ઉમેદવાર તરીકે મધ્યગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને તબીબ જસવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને તમામ ઉમેદવારોની પસંદગી કરી છે. જાહેર થયેલા ચાર ઉમેદવારો પૈકી એક ઉમેદવાર બ્રાહ્મણ છે તોએક ઉમેદવાર પાટીદાર છે,જ્યારે કે અન્ય બે ઉમેદવારો ઓબીસી સમાજમાંથી આવે છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાને હવે ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે.

ભાજપ પાસે ૧૫૬ બેઠકો રાજ્યસભાની ચાર બેઠકો માટે ૧૪૪ સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે ૧૫૬ બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યોના મતનું મૂલ્ય ૧૦૦ પોઈન્ટનું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ચાર ધારાસભ્યના રાજીનામાં બાદ હાલ ૧૭૫ સભ્યોની સંખ્યા છે. ૧૭૮ ધારાસભ્યોમાંથી ભાજપ પાસ ૧૫૬ બેઠકો અને કોંગ્રેસ પાસે ૧૫ બેઠકો છે. વિધાનસભામાં આપના ચાર, સમાજવાદી પાર્ટીના એક તેમજ અપક્ષના બે ધારાસભ્ય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.