કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોની મંત્રણા ફ્લોપ: શંભુ બોર્ડર ઉપર અરાજકતા
આંદોલન વધુ ઉગ્ર બન્યુઃ ખેડૂત સહિત બેનાં મોત
નવી દિલ્હી, પ્રદર્શનકારી ખેડૂતોએ આજે સતત ચોથા દિવસે ઉગ્ર દેખાવો ચાલુ રાખ્યા હતા. શંભુ બોર્ડર ઉપર ભારે અરાજકતા ફેલાઈ હતી. પોલીસે છોડેલા ટીયર ગેસના સેલમાં કેટલાંક ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતાં તેમ છતાં ખેડૂતો દિલ્હીમાં પ્રવેશવા માટે વ્યાપક તોફાન કરતાં આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ચંડીગઢમાં ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ હતી.
કેન્દ્રિય મંત્રીઓ અને ખેડૂત આગેવાનો વચ્ચે ૫ કલાક સુધી આ બેઠક ચાલી હતી. પરંતુ ખેડૂતો એમએસપી ગેરંટી ઉપર મક્કમ રહેતાં બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી અને હવે રવિવારે ફરીથી બેઠક યોજાશે. દરમિયાનમાં શંભુ બોર્ડર ઉપર તોડફોડ કરતાં ખેડૂતો ઉપર પોલીસે ટીયર ગેસ છોડતાં ઈજાગ્રસ્ત બે ખેડૂતોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પંજાબ અને હરિયાણાં આંદોલનનાં પગલે ઠેર-ઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. આજે ભારત ગ્રામ્ય બંધના એલાન દરમિયાન તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે પંજાબમાં દુકાનો બંધ રહી હતી અને મોટાભાગનાં હાઈવે બંધ કરી દેવાયા હતા.
ચંદીગઢમાં લગભગ ૫ કલાકની બેઠક બાદ કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચેની મંત્રણા સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે વાટાઘાટો થઈ હતી પરંતુ કોઈ બાબત પર સહમતિ સધાઈ નથી. જો કે, ઘણા મુદ્દાઓ પર મંત્રણા આગળ ધપાવવાના અને મંત્રણા સકારાત્મક રહેવાના સંકેતો મળ્યા છે. આ અંગે રવિવારે બીજી બેઠક મળશે. રવિવારની બેઠક સુધી ખેડૂતો શંભુ બોર્ડર પર આગળ નહીં વધે. સાથે જ હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે.
ખેડૂતો સાથેની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “ખૂબ જ સારા વાતાવરણમાં સકારાત્મક ચર્ચા થઈ અને ખેડૂત સંગઠનોએ જે મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું છે તેને ધ્યાનમાં લઈને આગામી તારીખે વિગતવાર ચર્ચા કરવામાં આવશે, એટલે કે રવિવારે સાંજે.” અમે ફરીથી ૬ વાગ્યે ચર્ચા ચાલુ રાખીશું.”
ચંદીગઢ પોલીસે ખેડૂતોના મુદ્દે હરિયાણા ભાજપ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. પોલીસની દલીલ છે કે ચંદીગઢમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ પ્રકારનું પ્રદર્શન ત્યાં કરી શકાય નહીં. પોલીસ તમામ કોંગ્રેસના નેતાઓને બસમાં સેક્ટર ૧૧ પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે.હરિયાણા અને પંજાબની શંભુ બોર્ડર પર તહેનાત જીઆરપીના એસઆઈનું મોત થયું છે.
કર્મચારીની ઓળખ હીરાલાલ (રહે. ચુલકાના ગામ, પાણીપત) તરીકે થઈ છે. તેમની પોસ્ટિંગ જીઆરપી સમાલખા ચોકીમાં હતી. હાલમાં ખેડૂતોના આંદોલનને કારણે તેમની ડ્યુટી અંબાલામાં લગાવાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીયર ગેસના શેલને કારણે શ્વાસ રૂંધાવાથી તેમનું મોત થયું છે.
અમૃતસરમાં કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા હોલગેટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાં પોલીસ પણ ચોક પર હાજર હતી અને ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. ભારત બંધના એલાનની અસર મોહાલીમાં જોવા મળી નહતી. મોહાલીમાં ગુરુદ્વારા સિંહ શહીદ સોહાના પાસે, જ્યાં આજે ખેડૂત સંગઠનો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
ખેડૂત નેતા સરવણ સિંહે કહ્યું કે અમને ઉશ્કેશો નહીં. અમને સમર્થન મળી રહ્યું છે. આ સંઘર્ષ વધી રહ્યો છે. હરિયાણામાં ત્રણ ધરણા ચાલી રહ્યા છે.ત્યાં ઈન્ટરનેટ બંધ છે, તેથી જ તેમની માહિતી મળી રહી નથી. ગાઝીપુરના ખેડૂતો પણ દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. અમને દેશ વિરોધી અને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યા છે. ખરેખર, અમારી છબી ખરાબ કરવામાં આવી રહી છે. પીએમ મોદી જાણે છે કે જો આખા દેશના ખેડૂતો ઉભા થશે તો તેમની માંગણીઓ સ્વીકારવી પડશે.
ખેડૂતોના ભારત બંધને પંજાબમાં ખાનગી બસ ઓપરેટરોનું પણ સમર્થન મળ્યું છે. આ સિવાય સરકારી ઁઇ્ઝ્ર અને પંજાબ બસ એમ્પ્લોઈઝ યુનિયને પણ ખેડૂતોને સમર્થન આપ્યું હતું. જેના કારણે પંજાબમાં સરકારી અને ખાનગી બસો બંધ કરાવવામાં આવી હતી.
શંભુ બોર્ડર પર એક ખેડૂત જ્ઞાન સિંહનું મોત થયું હતું. તે ગુરદાસપુરના ચાચોકી ગામના રહેવાસી હતા. ખેડૂતોના આંદોલનમાં આ પ્રથમ મોત છે. ગામના સરપંચ જગદીશ સિંહ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, જેના કારણે જ્ઞાન સિંહની તબિયત લથડી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.