Western Times News

Gujarati News

અમેરિકન ધરતી પર ભારતના વિદ્યાર્થીઓ પરના હુમલાને રોકવા માટે સતત કાર્યરત છીએઃ વ્હાઈટ હાઉસ

ભારતીયો પર હુમલા અંગે વ્હાઈટ હાઉસની ઉગ્ર પ્રતિક્રિયા

(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ પર થઈ રહેલા એક પછી એક હુમલાઓ અને મૃત્યુની ઘટનાઓ પર વ્હાઇટ હાઉસે પ્રતિક્રિયા આપી છે. વ્હાઈટ હાઉસ તરફથી આવી ઘટનાઓ પર ગાઢ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણસર થતી હિંસા સ્વીકાર્ય નથી. અમે તેના સખત વિરોધી છીએ.

રાષ્ટ્રપતિ જો બાઈડન અને સમગ્ર વહીવટીતંત્ર આવા હુમલાઓ સામે એલર્ટ છે. અમે અમેરિકન ધરતી પર આ પ્રકારના હુમલાને રોકવા માટે સતત કાર્યરત છીએ. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થી વિવેક તનેજા (૪૧) ૨ ફેબ્રુઆરીએ રાતના ૨ વાગ્યાની આસપાસ ફૂટપાથ પર પડેલો જોવા મળ્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઇ હતી.
હોસ્પિટલમાં તે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયો.

પ્રાથમિક તપાસમાં જાણ થઇ કે તનેજા અને એક વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના પગલે અજાણ્યા વ્યક્તિએ તનેજાને જમીન પર પછાડી દીધો હતો અને તેનું માથું ફૂટપાથ પર પછાડ્યું હતું. ૬ ફેબ્રુઆરીએ અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હતો. પીડિત વિદ્યાર્થીની ઓળખ હૈદરાબાદના રહેવાસી સૈયદ મજાહિર અલી તરીકે થઈ હતી.

ભારતીય મિશને અલી અને તેના પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ભારતીય કોન્સ્યુલેટે કહ્યું કે તે પીડિત વિદ્યાર્થી અલી અને ભારતમાં તેની પત્નીના સંપર્કમાં છે. સ્થાનિક અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ભારતીય વિદ્યાર્થી પર થયેલા હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં અલી તેના પર થયેલા ભયાનક હુમલા વિશે જણાવી રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.