સર્વિસ ન મળતાં કંટાળેલા ગ્રાહકે શોરૂમની આગળ જ ઈલેકિટ્રક વ્હીકલ સળગાવવાનો પ્રયાસ કર્યો
ડીસામાં શોરૂમની આગળ જ ઈલેકિટ્રક વ્હીકલ સળગાવવાના પ્રયાસથી દોડધામ
ડીસા, ડીસામાં ઈલેકિટ્રકલ વ્હીકલના એક ગ્રાહકે પોતાનું ઈવી બાઈક બગડવાના કારણે કંપનીમાંથી સર્વિસ ન મળતાં શોરૂમ આગળ જ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મેનેજર સહિત સ્ટાફે દોડી આવી ગ્રાહકને સમજાવતા મામલો થાળે પડયો હતો.
ધાનેરા તાલુકાના ખીમત ગામે રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ રબારીએ છ એક માસ અગાઉ ડીસાના હાઈવે પિલર સામે ઓમ પાર્ક આગળ આવેલા ઓલા ઈલેકિટ્રકલ વ્હીકલ શોરૂમમાંથી વ્હીકલ ખરીદ્યું હતું. જે છેલ્લા ત્રણેક માસથી ખરાઈ થઈ જતાં તેઓ કંપનીના શો-રૂમ ઉપર લઈ આવ્યા હતા. જોકે શોરૂમમાંથી યોગ્ય જવાબ આપવામાં ન આવ્યો હતો. ત્યારબાદ તેઓએ પોતાનું વ્હીકલ શો-રૂમ પર મુકી દીધું હતું.
છેલ્લા ૪પ દિવસથી વ્હીકલ શો રૂમ ઉપર પડયું હતું પરંતુ કંપની કે શોરૂમ વાળા કોઈ પ્રકારનો જવાબ આપતા ન હતા. જયારે ગત ૭ ફેબ્રુઆરીના રોજ તેઓને મેસેજ મળ્યો હતો કે તમારું ઈવી ઠીક થઈ ગયું છે જેથી તેઓ ૮ ફેબ્રુઆરીએ લેવા આવ્યા ત્યારે પરિસ્થિતિ જેવી ને તેવી જ હતી. કોઈ પ્રકારનું કામ થયું ન હતું. જેથી તેઓએ ફરીથી જણાવ્યું પરંતુ કોઈ કામ ન થતાં કંટાળીને તેઓએ શોરૂમ આગળ જ પેટ્રોલ ભરેલી બોટલ લઈ આવી પોતાની ઈવીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો
જેથી શો રૂમના મેનેજર અને સ્ટાફના લોકો દોડી આવ્યા હતા. ભારે રકઝક બાદ મગનભાઈ રબારીને સમજાવતા આખરે મામલો થાળે પડયો હતો અને કંપની દ્વારા તેઓનું ઈવી યોગ્ય રીતે સર્વિસ કરીને આપશે તેવુંજણાવ્યું હતું.