પેટલાદના આશી ગામે આવેલ આરોગ્ય કેન્દ્રની હાલત દયનીય
આણંદ, રાજ્યમાં દરેક નાગરિકોરને આરોગ્યની સારી સુવિધા મળી રહે તે માટે સરકાર અથાગ પ્રયત્ન કરી રહી છે. પરંતું પેટલાદના આશી ગામે આવેલ આરોગ્ય કેન્દ્રની હાલત દયનીય જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં બહારથી દેખાવ નવા જેવો છે. જ્યારે અંદરની પરિસ્થિતિ કંઈક અલગ જ સ્થિતિ દર્શાવી રહી છે.
રાજ્ય સરકારનું ઉદ્દેશ્ય છે કે, દરેક છેવાડાના ગામ સુધી સરકારી સુવિધાનો લોકોને લાભ મળે. તેમજ સારા આરોગ્ય માટે સારવાર મળે. પરંતું આજે પેટલાદના આશી ગામે વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી. જ્યાં અહીં આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે આશી ગામમાં તો સામૂહિક આરોગ્ય કેન્દ્રને જ સારવારની જરૂર છે. કારણ કે, જર્જરિત બનેલા આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરવા માટે આવતા લોકોને અહીં કોઈ દુર્ઘટના ન ઘટે તેનો ડર સતાવી રહ્યો છે.
આશી ગામમાં ૪ હજારની વસ્તી છે. અહી સામૂહિક આરોગ્ય કેન્દ્રની બહારથી હાલત જોવા પર રંગ-રોગાન સાથે તમને બિલ્ડીંગ નવું-નકોર લાગશે. પરંતું અંદર જતા જ સ્થિતિ કંઈ અલગ છે. ૧૯૭૦ માં બનેલા આ આરોગ્ય કેન્દ્રમાં અંદરના ઓરડાઓની હાલત બિસ્માર છે.
ઉપરથી સ્લેબના પોપડા પડી રહ્યા છે. જ્યાં પોપડા પડ્યા છે. ત્યાં લોખંડ દેખાઈ આવ્યું છે. અને તેને કાટ પણ લાગી ચૂક્યો છે. એટલું જ નહી અહીં ફરજ નિભાવતા ર્ડાક્ટરોને પણ માતે પોપડા પડવાનો ડર લાગે છે.
તેમજ હોસ્પિટલની અંદર ઠેર ઠેર લાઈટોનાં દોરડા લટકી રહ્યા છે. બારી-બારણા સડીને તૂટી ગયા છે. તો ત્રણેય રૂમની હાલત એટલી ખરાબ છે કે, તેને બંધ જ રાખવામાં આવ્યા છે. પ્રસૃતિ રૂમ પણ જર્જરિત હોવાથી પ્રસૃતા મહિલાઓને અન્ય રીફર કરવામાં આવે છે.
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફે અને ગ્રામજનોએ વારંવાર જીલ્લા કક્ષાએ રજૂઆત કરી છે. પરંતું આજ સુધી તે રજૂઆતોને ધ્યાને લેવાઈ નથી.
આપણે ત્યાં એક કહેવત છે કે, દૂરથી ડુંગર રળિયામણા. અહીં પણ આવી જ હાલત છે. તેવામાં જોવાનું રહેશે કે, આશી ગામનાં જર્જરિત આરોગ્ય કેન્દ્ર પર ક્યારે સત્તાધિશોનો આશિર્વાદ ફરે છે. અને ક્યારે જર્જરિત આરોગ્ય કેન્દ્રની દયનિય હાલતમાં સુધારો આવે છે.SS1MS