કાફે ચલાવવા 10 લાખની સામે વ્યાજખોરે 25 લાખ વસુલ્યાઃ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદ, અમદાવાદમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ આવ્યો સામે આવ્યો છે. જ્યાં ૧૦ લાખ ઉધાર લેનાર કાફેના સંચાલકે ૨૫ લાખ ભર્યા બાદ પણ માનસિક ત્રાસ અપાતો હતો. સમગ્ર મામલે કાફે સંચાલકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે ૬ જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વ્યાજખોરના ચુંગાલમાં ફસાયેલા દીકરાને બચાવવા માતા પિતા ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.
સાણંદમાં રહેતા અને અમદાવાદના બોપલમાં કાફે ચલાવતા ૨૧ વર્ષના દેવ પટેલે કાફે શરૂ કરવા ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે વ્યાજખોરોએ ૨૧ વર્ષના દેવ પટેલ પાસેથી ૨૫ લાખ વસુલી લીધા હતા. જો કે તે બાદ પણ અન્ય ૬૦ લાખ રૂપિયા વસૂલવા માટે સતત ત્રાસ આપતાં દેવ પટેલે આપઘાત કરવાની કોશીશ કરી છે. દીકરાને ફાંસો ખાતા બચાવી દીપના પિતાએ પોલીસને જાણ કરી છે.
પોલીસે સમગ્ર કેસમાં ધવલ પંડિત, મુકેશ ગાંધી, મેહુલ બારોટ સામે ગુનો નોધ્યો આ સાથે જ પૃથ્વીરાજસિંહ વાધેલા, મનુ રબારી અને મૌલિક રાવલ નામના શખ્સો સામે પણ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે તપાસ હાથ ધરી ધવલ પંડિત નામના આરોપીની ધરપકડ કરી છે. બોપલ પોલીસે ધવલ પંડિતની ધરપકડ કરીને ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે વોન્ટેડ વ્યાજખોરની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.