Western Times News

Gujarati News

રાજ્યસભામાં અપક્ષના આ ઉમેદવારનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ્દ કરાયુંઃ ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવું ચિત્ર

ભાજપના ચારેય રાજ્યસભાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવી પરિસ્થિતી-અપક્ષ ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ્‌

અમદાવાદ, ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે. અપક્ષ ઉમેદવારી કરનાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ્દ કરાયું છે. ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.

જ્યારે રજની પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. રજની પટેલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના ડમી તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જે પી નડ્ડા સાથે ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં જશે. આવતીકાલે બપોરે ૩ કલાકે રાજ્યસભાના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ૪ સીટ સહિત કુલ ૧૫ રાજ્યમાં ૫૬ સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ૧૫ રાજ્યની ૫૬ રાજ્યસભા બેઠક પર ૨૭ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે ૫૬ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ ૨૦૨૪માં પૂર્ણ થશે, જેના પર ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન યોજાશે.

ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠક છે. એમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ ૨૦૨૪માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત્ત થતાં ચાર બેઠક ખાલી થશે. આ સભ્યોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, જ્યારે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક સામેલ છે. ગુજરાતમાંથી ભાજપે યાદીમાં ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ વખતે ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સાલમસિંહ પરમારને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. ડિસેમ્બર ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસે માત્ર ૧૭ બેઠકો જીતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (છછઁ) રાજ્યમાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતી હતી. તો ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારે રાજ્ય વિધાનસભામાં ઓછામાં ઓછા ૩૬ મત મેળવવા જરૂરી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.