અમેરિકામાં હાલ ૩.૭ કરોડ લોકો ગ્રીનકાર્ડની રાહમાં
અમદાવાદ, સ્ટૂડન્ટ કે પછી વર્ક વિઝા પર અમેરિકા જતાં લોકો મોકો મળતાં જ ગ્રીન કાર્ડ માટે એપ્લિકેશન કરી દેતા હોય છે, પરંતુ હાલ ગ્રીનકાર્ડ માટે એટલું લાંબુ વેઈટિગ ચાલી રહ્યું છે કે તેની રાહ જોઈ રહેલા મોટાભાગના ભારતીયોને આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી ગ્રીન કાર્ડ મળી શકે તેમ નથી.
અમેરિકાએ દરેક દેશના લોકો માટે ગ્રીન કાર્ડનો અમુક ચોક્કસ ક્વોટા નક્કી કર્યો છે, જે અનુસાર દર વર્ષે ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે છે. જોકે, જેટલા લોકોને ગ્રીન કાર્ડ ઈશ્યૂ થાય છે તેના કરતાં અનેક ગણા વધુ લોકો તેના માટે એપ્લિકેશન કરે છે, અને તેના લીધે બેકલોગ સતત વધતો જ જાય છે.
આ અંગે કેટો ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જેટલા લોકો હાલ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે તેમાંથી ૨૦૨૪માં માત્ર ત્રણ ટકા લોકોને જ અમેરિકાની પરમેનન્ટ રેસિડેન્સી મળી શકશે.
આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રજૂ કરવામાં આવેલા એક વ્હાઈટ પેપર અનુસાર, ગ્રીન કાર્ડ માટે એપ્લિકેશન કરનારા ૧૮ લાખ લોકોએ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં એપ્લિકેશન કરી છે, પરંતુ ગ્રીન કાર્ડનું જ લાંબુલચક વેઇટિંગ હોવાથી જે લોકોને પરમેનન્ટ રેસિડેન્સી મળી જશે તેમાંથી પણ માંડ આઠ ટકા લોકો અમેરિકન સિટીઝન બની શકશે. અમેરિકા આ કેટેગરીમાં દર વર્ષે ૧.૪૦ લાખ લોકોને ગ્રીન કાર્ડ આપે છે, જેમાં અલગ-અલગ દેશનો અલગ-અલગ ક્વોટા છે.
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડની હાલ જેટલી એપ્લિકેશન પેન્ડિંગ છે તેમાં અડધાથી વધુ તો ઈન્ડિયન્સની જ છે, જેમાં અમુક લોકોને તો ૧૦૦ વર્ષથી પણ વધુ રાહ જોવી પડે તેમ છે, સ્વાભાવિક છે કે આ વેઈટિંગ એટલું લાંબુ છે કે વેઈટિંગ લિસ્ટમાં રહેલા મોટાભાગના ઈન્ડિયન્સને ગ્રીન કાર્ડ વિના જ અમેરિકા છોડવાનો વારો આવશે. ગ્રીન કાર્ડના વેઈટિંગને ઘટાડવા તેમજ તેનું અલોટમેન્ટ વધુ કાર્યક્ષમ રીતે થાય તે માટે કેટો ઈÂન્સ્ટટ્યૂટે કેટલાક રસ્તા પણ સૂચવ્યા છે.
જેમાં ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવા માટેના હાલના સખ્ત નિયમોને હળવા બનાવવાથી લઈને ગ્રીન કાર્ડની સંખ્યા વધારવા ઉપરાંત હાલ જે કેટેગરી અને દેશના લોકો માટે સૌથી વધુ વેઈટિંગ છે તેમની એન્યુઅલ લિમિટ વધારવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.
ખાસ કરીને ફેમિલી સ્પોન્સર્ડ બેકલોગની લિમિટ છેક ૧૯૯૦માં સેટ કરવામાં આવી હતી, જેમાં હાલ ૭૦ લાખ કેસ પેન્ડિંગ છે, આ આંકડાને ઓછો કરવાનો એકમાત્ર ઉપાય હાલની લિમિટને વધારવાનો છે. આ ઉપરાંત ૨૦૨૪માં ૩૫ મિલિયન એપ્લિકન્ટ્સને ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવાની અને દર વર્ષે લીગલ ઈમિગ્રેશનમાં દર વર્ષે ૫ મિલિયનનો વધારો કરવાની દરખાસ્ત પણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે ચાલી રહેલું ૧૦૦ વર્ષ જેટલું વેઈટિંગ ભારતીયોને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યું છે. તેના પરિણામે અમેરિકામાં આખી જિંદગી નોકરી કરીને ઘણા લોકોને રિટાયર્મેન્ટ બાદ ગ્રીન કાર્ડ ના હોવાથી ભારત પાછા આવવું પડે તેમ છે, એટલું જ નહીં જો તેમના સંતાનો અમેરિકન સિટીઝન ના હોય તો તેમને પણ કોલેજમાં ત્રણ ગણી વધુ ફી ચૂકવવાનો વારો આવે છે, અને ઘણીવાર તો તેમને પોતાના માતા-પિતાથી અલગ પણ થવું પડે છે.
અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં છેલ્લા ઘણા વર્ષોથી કોઈ ફેરફાર નથી થયો, દેશમાં આવનારા વિદેશીઓની સંખ્યા સતત વધી રહી છે પરંતુ દર વર્ષે ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવાની ચોક્કસ લિમિટ જે વર્ષો પહેલા નક્કી કરવામાં આવી હતી તે આજે પણ એમની એમ છે.SS1MS